Malaika Arjun Kapoorથી થઈ અલગ? સોશિયલ મીડિયા પર છલકાયું દરદ

મુંબઈ: ફિટેસ્ટ મોમ્સમાં જો કોઇ બોલીવુડ અભિનેત્રી-મોડેલનું નામ ચોક્કસ આવે તો તે મલાઇકા અરોરા છે અને તેની ખૂબસૂરતીની સાથે સાથે જ આ ઉંમરે પણ તેણે જે ફિટનેસ જાળવી રાખી છે તેની ચર્ચા અવારનવાર થતી જ હોય છે.
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી મલાઇકા અરોરા તેના નીતનવા ડ્રેસ-આઉટફિટ્સ માટે સમાચારોમાં ઝળકતી જ હોય છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયામાં તેની તસવીરો ચમકવાની બદલે તેનું દરદ છલક્યું હોય તેવું લાગી રહ્યું છે.
મલાઇકા અરોરા અરબાઝ ખાનથી છૂટા પડીને અર્જુન કપૂર સાથે જીવનમાં આગળ વધી ગઇ છે અને બંનેની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર અવારનવાર વાઇરલ થતી હોય છે. જોકે છેલ્લાં અમુક વખતથી અર્જુન અને મલાઇકાનું બ્રેક-અપ થઇ ગયું હોવાના અહેવાલ ફરતા થયા છે. બંને જણ છૂટા પડી ગયા હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે એવામાં મલાઇકાએ કરેલી એક પોસ્ટના કારણે ચર્ચાને વેગ મળ્યો છે.

આ પોસ્ટ મલાઇકાએ દુ:ખી મનથી કરી હોય અને કોઇને ડેડિકેટેડ હોય તેવું જણાઇ રહ્યું છે. જોકે પોસ્ટમાં લખેલા શબ્દો અને બ્રેક અપની અફવાને ધ્યાનમાં લઇએ તો બીજા કોઇ નહીં, પરંતુ અર્જુન કપૂર માટે જ આ પોસ્ટ લખવામાં આવી હોવાની ચર્ચા લોકો કરી રહ્યા છે.
મલાઇકાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘હંમેશા એવા લોકો પર ધ્યાન આપો જે તમારા સુખમાં સુખી થાય અને તમારા દુ:ખમાં દુ:ખી. એ જ લોકો છે જે તમારા હૃદયમાં સ્થાન મેળવવા યોગ્ય છે.’
હવે મલાઇકાની આ પોસ્ટ કોની માટે હતી અને મલાઇકાના દિલમાં શું દરદ છલકાયું છે એની ચોક્કસ માહિતી તો નથી, પરંતુ દુ:ખનું કારણ હાલ તો અર્જુન કપૂર જ હોવાનું મલાઇકાના ફેન્સ સોશિયલ મીડિયાની કોમેટ્સ સેક્શનમાં કહી રહ્યા છે.