
અમદાવાદ: આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન(Junaid Khan)ની ડેબ્યુ ફિલ્મ ‘મહારાજ‘ નેટફ્લિક્ષ (Maharaj on Netflix) પર રિલીઝ થાય એ પહેલા જ વિવાદમાં ફસાઈ છે, ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)એ ગુરુવારે ફિલ્મની રિલીઝ પર 18 જૂન સુધી રોક લગાવી છે. એક હિંદુ જૂથની અરજીને પગલે હાઇ કોર્ટે આ સ્ટે આપ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ હિન્દુ સંપ્રદાયના અનુયાયીઓ સામે હિંસા ભડકાવી શકે છે.
સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ આજે 14 જૂનના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ રિલીઝ માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી પરંતુ હાલ ફિલ્મની ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી છે.
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વલ્લભાચાર્યના અનુયાયીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના પગલે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેખીતી રીતે 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે.
અરજી અનુસાર, 1862 નો મહારાજ બદનક્ષીનો કેસ, “એક અગ્રણી વ્યક્તિ દ્વારા થતી ગેરવર્તણૂકના આરોપો” ના આધારે શરુ થયો હતો અને જેનો નિર્ણય બોમ્બેની સુપ્રીમ કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં હિંદુ ધર્મની નિંદા કરવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
અરજદારોએ એવી પણ દલીલ કરી હતી કે મૂવીને ટ્રેલર અથવા કોઈપણ પ્રમોશનલ ઇવેન્ટ્સ વિના ગુપ્ત રીતે રિલીઝ કરવાની માંગ કરવામાં આવી રહી છે. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે જો આવી ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવે તો તેમની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચે અને ભરપાઈ ન થઇ શકે તેવું નુકસાન થશે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતા વિષેને પુષ્ટિમાર્ગીઓની રજૂઆતો ધ્યાનમાં લીધી અને કોઈપણ રીતે ફિલ્મની રિલીઝને રોકવાનો વચગાળાનો આદેશ આપ્યો. હવે આ મામલાની સુનાવણી 18મી જૂને થવાની છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર ‘બૉયકોટ નેટફ્લિક્સ’ ટ્રેન્ડ થઇ રહ્યું છે, યુઝર્સ દાવો કરી રહ્યા છે કે Netflix ‘હિંદુ વિરોધી’ સામગ્રીને પ્રોત્સાહન આપી રહ્યું છે.
Netflix દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા અખબારી યાદી મુજબ, ‘મહારાજ’ ફિલ્મ પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુળજીના ન્યાય માટેના સાહસિક સંઘર્ષ વાર્તા છે, કરસનદાસ મહિલા અધિકારો અને સામાજિક સુધારણા માટે અગ્રણી હિમાયતી હતા.
‘મહારાજ’ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે. કરસનદાસ મુળજીએ પુષ્ટિમાર્ગના અગ્રણી મહારાજ પર ગંભીર આરોપ મુકતા લેખો અખબારમાં પ્રકાશિત કર્યા હતા, ત્યાર બાદ મહારાજે તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, કરસનદાસ મુળજીએ મુશ્કેલીઓ વચ્ચે આ કેસ હિંમતભેર લડી જીત મેળવી હતી.