લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષીતને અપાશે વિશેષ સન્માન, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

54મા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષીતને વિશેષ સન્માન અપાશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે X પર પોસ્ટ મુકીને આ અંગે માહિતી આપી હતી.
અનુરાગ ઠાકુરે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા અત્યંત આનંદની લાગણી થાય છે કે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી અભિનેત્રી માધુરી દિક્ષીતને ભારતીય સિનેમામાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ વિશેષ સન્માન પ્રદાન કરવામાં આવશે.”

IFFI-ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા આજથી ગોવાના પણજીમાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાઇ રહ્યો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત નુસરત ભરૂચા, શ્રેયા ઘોષાલ, સુખવિંદર સિંહ, માધુરી દિક્ષીત, શાહિદ કપૂર, શ્રિયા સરન સહિત અનેક જાણીતા કલાકારો આ મહોત્સવમાં ભાગ લેશે તેમજ રંગારંગ કાર્યક્રમો રજૂ કરશે.
દરમિયાન કેટલાક મીડિયા અહેવાલો મુજબ, એવી ચર્ચા થઇ રહી છે કે બોલીવુડની ધકધક ગર્લ ધીમે પગલે રાજકારણમાં પ્રવેશ કરશે. જો કે આ વાતને કોઇ ઓફિશીયલ સમર્થન નથી પરંતુ માધુરી દિક્ષિત ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના સંપર્કમાં હોવાની વિગતો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમુક રિપોર્ટ્સમાં સંકેત આપવામાં આવ્યા છે કે માધુરી દીક્ષિત પુણે અથવા મુંબઇથી ચૂંટણી લડી શકે છે.