આમચી મુંબઈમનોરંજન

ફાર્મહાઉસની બહાર નીકળતા જ સલમાન ખાનને મારવાનો પ્લાન હતો! ચાર્જશીટમાં મોટા ખુલાસા

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan)ની હત્યાના ષડ્યંત્ર અંગે જેમ જેમ તપાસ આગળ વધી રહી, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે, એક અહેવાલ મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang) પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા થઇ એ રીતે જ સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી રહી હતી. આ સંદર્ભમાં મહારાષ્ટ્રની પનવેલ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગત 14 એપ્રિલની વહેલી સવારે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના બની હતી. જેના બાદ પોલીસ આરોપીઓને પકડવા સતત કાર્યવાહી કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પનવેલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પાકિસ્તાનથી AK-47 સહિત ઘણા હથિયારો મેળવવાની યોજના બનાવી રહી હતી. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, સલમાન ખાન ફિલ્મના શૂટિંગ માટે પનવેલ ફાર્મહાઉસમાંથી બહાર નીકલળે એ સમયે હથિયારો વડે હુમલો કરવાની કથિત યોજના હતી.

પોલીસે ગયા અઠવાડિયે દાખલ કરેલી ચાર્જશીટમાં હુમલાની યોજના અને બચીને ભાગી જવાના રસ્તાઓનો પણ ઉલ્લેખ છે. 350 પાનાની આ ચાર્જશીટમાં લોરેન્સ ગેંગના 5 લોકોના નામ છે. જેમાં અજય કશ્યપ, ગૌતમ ભાટિયા, વાસ્પી મહમૂદ ખાન, રિઝવાન હસન, દીપક હવા સિંહના નામ સામેલ છે. લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન પર હુમલા માટે 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

ગેંગ 15-16 સભ્યો ધરવતા વ્હોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરતી હતી, જેમાં અનમોલ બિશ્નોઈ પણ સામેલ હતો. પોલીસે પાકિસ્તાનના સુખા શૂટર અને ડોગરની પણ ઓળખ કરી છે, જેઓ AK-47, M16 અથવા M5 જેવા ઘાતક હથિયારો સપ્લાય કરવાના હતા.

કશ્યપે વિસ્તારને સમજવા માટે સમલાનના ફાર્મહાઉસ પાસે મકાન પણ ભાડે લીધું હતું, જ્યારે થોડા દિવસો પહેલા તેણે સલમાનના ફાર્મહાઉસ, ગોરેગાંવ ફિલ્મ સિટી અને બાંદ્રાની રેકી કરી હતી. આ પછી સિદ્ધુ મૂસેવાલાની જેમ જ સલમાન ખાન જ્યારે ઘર બહાર નીકળે ત્યારે તેની ગાડી પર ગોળીબાર કરી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે સલમાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023 થી એપ્રિલ 2024 વચ્ચે રચવામાં આવ્યું હતું.

લગભગ 60 થી 70 લોકો સલમાન ખાનની દરેક ગતિવિધિપર નજર રાખી રહ્યા હતા. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે તે બધા સલમાન ખાનના મુંબઈના ઘર, પનવેલ ફાર્મ હાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તેની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. તમામ શૂટર્સ ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હત, આદેશ મળતા જ તેઓ પાકિસ્તાની હથિયારોથી સલમાન ખાન પર હુમલો કરવાની યોજના હતી. તમામ શૂટર્સ પુણે, રાયગઢ, નવી મુંબઈ, થાણે અને ગુજરાતમાં છુપાયેલા છે.

14 એપ્રિલે સવારે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાને લઈને આખું બોલિવૂડ ફરી એકવાર સ્તબ્ધ થઈ ગયું હતું. મુંબઈમાં અંડરવર્લ્ડનો અંત આવ્યા બાદ બોલિવૂડએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક વધી ગયો છે. કાળીયારનો શિકાર કરવા બદલ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનથી નારાજ છે અને તેને સજા કરવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button