કૃતિ સેનન અને રણવીરે કાશી વિશ્વનાથના દર્શન કરીને આ ફિલ્મની ચર્ચા જાગી…
મુંબઈ: બૉલીવુડના જાણીતા અભિનેતા રણવીર સિંહ, કૃતિ સેનન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા આજે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને બાબા વિશ્વનાથના આશીર્વાદ લીધા હતા. રણવીર સિંહ, કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રા કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
રણવીર સિંહ અને કૃતિ સેનનને એકસાથે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. રણવીર અને કૃતિના કાશી વિશ્વનાથ મંદિરે જવાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયા બાદ તેના અંગે અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. તસવીરોમાં કૃતિ સેનને માથા પર દુપટ્ટો ઓઢીને રણવીર સિંહ સાથે હાથ જોડીને ચાલતી જોવા મળી હતી.
કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં રણવીર સિંહ, કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રાને જોઈને લોકો લોકો એકદમ ખુશ થઈ ગયા હતા. જોકે રણવીર, કૃતિ અને મનીષ અચાનકથી બનારસ કેમ પહોંચ્યા છે? એવો પ્રશ્ન હશે તો તમને જણાવવાનું કે રણવીર સિંહ, કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રા રવિવારે રાત્રે નમો ઘાટ પર યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પહેલા ત્રણેયએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી આશીર્વાદ લીધા હતા.
રણવીર સિંહે બનારસ ઘાટ પર પહોંચીને ‘હર હર મહાદેવ’નો જયઘોષ પણ કર્યો હતો. આ સાથે રણવીર અને કૃતિએ ત્યાં રહેલા ચાહકો સાથે ફોટો પણ પડાવ્યો હતો. ફિલ્મ ‘ડોન 3’માં રણવીર સિંહ પણ જોવા મળે એવી ચર્ચા પણ શરૂ થઈ છે. ફરહાન અખ્તાર આ ફિલ્મને ડિરેક્ટ કરશે જેમાં રણવીર સિંહ અને કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે.