
અમદાવાદ: કિંગ ખાન તરીકે જાણીતા બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને અમદાવાદમાં લૂ લાગી જતાં આજે બપોરે તેમને શહેરની KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22મેના રોજ સવારે તેમની તબિયત બગડતાં તેમને KD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હેલ્થ ચેકઅપ કરતા તેમને ડીહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી.
શાહરુખ ખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં KD હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી અને તે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવ્યા હતા.
ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી આઇટીસી નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતા. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેમને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સુત્રો પાસેથી જાણવા મળ્યું કે હાલ તેમની તબિયત સારી છે.
શાહરૂખ ખાનનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જ્યા તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, પરંતુ થોડા આરામની જરૂર હોવાથી તે આજે મુંબઈ ગયા નથી. જો કે તે હવે પછી મુંબઈ જવાનો પ્લાન કરશે.