હોટ કિમ કાર્ડિશિયન અને કૂલ ટેલર સ્વિફ્ટની ‘કોલ્ડ વૉર’ પૂરી થશે? કિમે આગળ વધાર્યો દોસ્તીનો હાથ…
ન્યૂ યોર્ક: બોલીવૂડમાં બે કલાકારો વચ્ચે અને ખાસ કરીને અભિનેત્રીઓ વચ્ચે અબોલા અથવા તો અણબનાવના અહેવાલો આપણે વાંચતા હોઇએ છીએ. એ જ રીતે હોલીવૂડ કે પછી વેસ્ટર્ન પોપ સર્કલમાં પણ બે સેલિબ્રિટી વચ્ચે આ પ્રકારના મતભેદો ચાલતા જ હોય છે અને કિમ કાર્ડિશિયન અને ટેલર સ્વિફ્ટ આ બંને જબરજસ્તા અદાકારાઓ વચ્ચેની દુશ્મનાવટ પણ જગજાહેર છે.
જોકે, આ બંને વચ્ચેની દુશ્મનાવટ દૂર કરવા માટે કિમ કાર્ડિશિયન દ્વારા પહેલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. હાલમાં જ ટેલર સ્વિફ્ટે પોતાનું નવું આલ્બમ ‘ધ ટોર્ચર્ડ પોએટ્સ ડિપાર્ટમેન્ટ’ બહાર પાડ્યું હતું જેમાં એક ડિસ ટ્રેક(કોઇ અન્ય કલાકાર કે હરીફ કલાકારનું અપમાન કરતું ગીત અથવા રેપ સોન્ગ) પણ સામેલ છે. આ ડિસ ટ્રેક કિમ કાર્ડિશિયન માટે બનાવવામાં આવ્યું હોવાની વાતમાં કોઇ બેમત નથી. જોકે, આ ડિસ ટ્રેક બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ કિમ કાર્ડિશિયને ટેલર સ્વિફ્ટ સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે.
સૂત્રો પાસેથી જણાવ્યા અનુસાર કિમ ભૂતકાળમાં જે કંઇ બન્યું તે ભૂલી જવા માટે તૈયાર છે અને ટેલર સ્વિફ્ટ પણ ભૂતકાળમાં બંને વચ્ચે બનેલા અણબનાવને ભૂલીને આગળ વધે તેવું ઇચ્છે છે. સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે કિમ નથી જાણતી કે ટેલર શા માટે હજી ભૂતકાળમાં ભમ્યા કરે છે અને ખાસ કરીને આટલા વર્ષો વીતી ગયા છે ત્યારે આ વાતને ધ્યાનમાં લઇને તેણે આગળ વધી જવું જોઇએ તેવું કિમ ઇચ્છે છે.
આ આલ્બમનું સોન્ગ ‘થેન્ક યુ આઇમી’ કિમ કાર્ડિશિયન વિરુદ્ધ ડિસ ટ્રેક હોવાનું કહેવામાં આવે છે. આ ગીતમાં ટેલર સ્વિફ્ટે કઇ રીતે એક ‘બુલી’ એટલે કે તેને હેરાન કરનારી મહિલા સાથે તેનો પનારો પડે છે અને કઇ રીતે આ ઘટના તેને વધુ મજબૂત બનાવે છે તે વર્ણવ્યું છે. આ ગીતમાં ઘણી જ સારી રીતના કિમ કાર્ડિશિયનના કેપિટલ લેટર્સનો ઉપયોગ કરીને આડકરી રીતે તેને નિશાન બનાવવામાં આવી હોવાનું કહેવાય છે.