શ્રીદેવીના મૃત્યુ બાદ ક્યારેય નથી રડી ખુશી કપૂર, બહેન જહાન્વીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

જહાન્વી કપૂર અને ખુશી કપૂર છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટમાં રહે છે અને એનું કારણ છે કરણ જોહરનો ટોક શો કોફી વિથ કરણ-8. જહાન્વી હાલમાં જ નાની બહેન ખુશી કપૂર સાથે આ શો પર આવી હતી અને બંને બહેનોએ શો પર પોતાની માતા અને ઈન્ડસ્ટ્રીની દિવંગત અદાકારા શ્રીદેવીના મૃત્યુને યાદ કરીને ઘણી વાતો શેર કરી હતી પણ આ બધા વચ્ચે જહાન્વીએ ખુશી સાથે સંકળાયેલો એક કિસ્સો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે માતાના મૃત્યુ બાદ આજ દિન સુધી ખુશી ક્યારેય રડી નથી.

જહાન્વીએ આ કિસ્સો શેર કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેને માતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે ખુશી કપૂરનું શું રિએક્શન હતું અને કઈ રીતે આ મુસીબતની ઘડીઓમાં તેણે આખા ઘરને સંભાળ્યું હતું. એક્ટ્રેસે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી. મને ખુશીના રૂમમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો અને જેવી હું રડતી રડતી ખુશીના રૂમમાં પહોંચી તો મેં જે જોયું એ હું આજ દિન સુધી નથી ભૂલી શકી.
જહાન્વીએ જણાવ્યું કે કઈ રીતે ખુશીએ તેની સામે જોઈને રડવાનું બંધ કરી દીધું અને જહાન્વીની બાજુમાં બેસીને તેને સંભાળવા અને સજાવવા લાગી હતી. એ દિવસ પછીથી મેં ક્યારેય ખુશીને રડતી નથી જોઈ. મમ્મીના ગયા પછી અમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. અમે લોકો એકબીજાની જરૂરિયાતના સમયે એકબીજાના મિત્ર બની જઈએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે અમે એકબીજાની મમ્મી બની જઈએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે 2018માં શ્રીદેવીનું નિધન થયું હતું. 54 વર્ષની વયે શ્રીદેવીની વિદાય તેમના પરિવારની સાથે સાથે જ ફેન્સ માટે પણ આઘાતજનક હતું. એ જ વર્ષે જહાન્વીએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી ફિલ્મ ધડક આવી હતી અને આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું.