આજની ઘણી મહિલા અધિકારી દુરદર્શનની આ સિરિયલની આભારી છે
ગઈકાલે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા. અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન Kavita Chaudhri થયું. આજના પૉડકાસ્ટના સમયમાં એક જ દુરદર્શન ચેનલ અને તેના પર ઘણા સમય સુધી બ્લેક એન્ડ વ્હાઈટ પ્રસારણની વાતો જાણે સદીઓ જૂની લાગે તે રીતે ટેકનોલોજીએ વિકાસ કર્યો છે અને માનસિકતામાં પણ ફરક આવ્યો છે, પરંતુ 90ના દાયકામાં મોટી થતી છોકરીઓ માટે કવિતા ચૌધરી એટલે કે કલ્યાણી એક ખૂબ જ મોટી પ્રેરણા હતી અને આ માધ્યમની તાકાત એટલી હતી કે તેમની રીલ લાઈફથી પ્રેરણા લઈ ઘણી મહિલાઓએ રિયલ લાઈફમાં કલ્યાણી બની બતાવ્યું છે. વાત કરી રહ્યા છે ઉડાન Udaan સિરિયલની. આ ટીવી સિરિયલની લેખિકા અને દિગ્દર્શિકા પણ કવિતા ચૌધરી Kavita Chaudhri હતી.
ગામડામાં રહેતી એક ખેડૂત પિતાની દીકરી સંઘર્ષ કરી પોલીસ અધિકારી બની છે અને જાતીય ભેદભાવ સામે લડે છે. આ સિરિયલમાં શેખર કપૂરે Shekhar Kapoor પણ એસએસપીનું પાત્ર ભજવ્યું હતું. ત્યારે શેખર કપૂરે પોતાનો એક અનુભવ શેર કર્યો હતો.
કપૂરે કહ્યું કે તેઓ જ્યારે બેન્ડીટ ક્વિનનું શૂટિંગ ચંબલ અને તેની આસપાસ કરી રહ્યા હતા ત્યારે અમુક મહિલાઓ તેમની પાસે આવી. તે તેમને શેખર કપૂર તરીકે નહીં પણ ઉડાનના ડીસી તરીકે ઓળખતી હતી. ત્યારે મને ખબર પડી કે સિરિયલ કેટલી લોકપ્રિય છે. તે છોકરીઓએ એમ પણ કહ્યું કે સિરિયલ જોઈને અમને થયું કે અમે પણ કંઈક કરી શકીએ છીએ. કપૂરે કહ્યું કે મને ઘણી મહિલા પોલીસ અધિકારી મળી છે જે કહે છે કે ઉડાન જોયા બાદ અમને થયું કે મહિલાઓ પણ પોલીસ ફોર્સમાં સામેલ થઈ શકે છે. માત્ર પોલીસ જ નહીં અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા પણ અમને આ સિરિયલે આપી હોય, તેમ કહેતી મહિલાઓ પણ તેમને મળી હતી.
એ સમયે જ્યારે મનોરંજન અને અભિવ્યક્તિનું માધ્યમ ટીવી અને ફિલ્મો હતી ત્યારે ઘણી ઉત્કૃષ્ટ સિરિયલો આવી છે, જેણે સામાજિક સુધાર લાવવાનું કામ કર્યું છે. ઉડાન ચોક્કસ પણ તેમાંની એક છે. કવિતા ચૌધરીએ સિરિયલ બનાવવા માટે બહેન કંચન ચૌધરી ઉપરાંત આઈપીએસ અધિકારી કિરણ બેદી, કંવલજીત દેઓલ સાથે વાત કરી હતી અને આઠ વોલ્યુમનો ધર્મવીર કમિશનનો રેકમન્ડેશન રિપોર્ટ વાચ્યો હતો.
આજે મહિલાઓ માત્ર પોલીસ ફોર્સ નહીં, પણ સરંક્ષણની દરેક પાંખમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે ત્યારે કારકિર્દીના આ ક્ષેત્રોને મહિલાઓ માટે ખુલ્લા મૂકવાનો વિચાર તરતો મૂકવા બદલ કવિતા ચૌધરીના સૌ કોઈ આભારી રહેશે.