આ જાણીતા કોમેડિયનના કેફે પર એક મહિનામાં થઈ બીજી વખત ફાઈરિંગ, વીડિયો થયો વાઈરલ…

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરે શહેરમાં આવેલા કેફે પર ફરી એક વખત ગોળીબાર થયો હોવાની માહિતી સામે આવી છે. આ બીજી વખત છે જ્યારે તેના કેફે પર નિશાન સાધવામાં આવ્યું હોય. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કારમાં બેસીને કેફે પર ગોળીબાર કરી રહ્યા છે.
આ વચ્ચે ગોલ્ડી ધિલ્લોં નામના ગેંગસ્ટરે આ ફાઈરિંગની જવાબદારી લીધી છે. ગોલ્ડીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આ ફાઈરિંગ તેની ગેંગ દ્વારા કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને આ ફાઈરિંગની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય એવી માહિતી નથી મળી રહી. કપિલ શર્મા દ્વારા પણ આ ઘટના અંગે હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડી ધિલ્લોં પોતાની જાતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો ગણાવે છે. ગોલ્ડીએ ઓનલાઈન પોસ્ટમાં લખ્યું છે કે રામ રામ બધા ભાઈઓને… આજે કપિલ શર્માના કેફે પર જે ફાઈરિંગ થઈ છે એ એની જવાબદારી ગોલ્ડી ધિલ્લોં અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ લે છે.
અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં પણ 10મી જુલાઈના કપિલ શર્માના આ કેફે પર જ ગોળીબાર થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. હુમલાખોરે કારથી પિસ્ટલ કાઝીને 10-12 રાઉન્ડ ફાયર કર્યા હતા. એ સમયે થયેલા આ ગોળીબારની જવાબદારી આંતકવાદી હરજિત સિંહ લડ્ડીએ લીધી હતી.
વાત કરીએ હરજિત સિંહ લડ્ડી કોણ છે એની તો તે એનઆઈએના મોસ્ટ વોન્ટેડ આંતકવાદીઓની યાદીમાં સામેલ છે અને બીકેઆઈ સાથે જોડાયેલો છે. લડ્ડીએ કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને કારણે આ હુમલો કર્યો હોવાની વાત પણ સ્વીકારી હતી.