
ગયા વર્ષે રિલીઝ થયેલી ‘કાંતારા’ ફિલ્મે દર્શકોના માનસમાં ઉંડી છાપ છોડી હતી, પહેલી નજરે એવું લાગે જાણે ફિલ્મમાં માનવ અને પ્રકૃતિ તત્વ-ઇશ્વર વચ્ચેનો સંબંધ દર્શાવતી કથા છે, પરંતુ આ ફિલ્મ તેનાથી પણ ઘણુ વધારે હતી. મલ્ટીપલ લેયર્ડ ધરાવતું કથાનક જેણે દર્શકોને સ્તબ્ધ જ કરી દીધા. કર્ણાટકની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલી ફિલ્મ હતી કે જેણે 100 કરોડથી વધુની કમાણી કરી હતી.
હવે ફરીવાર આ કથાનો એક નવો વળાંક લઇને ઋષભ શેટ્ટી કમબેક કરી રહ્યા છે. કાંતારા ચેપ્ટર-1નું ટીઝર કમ ફર્સ્ટ લુક આજે રિલીઝ થયું છે. ઋષભ શેટ્ટી કાંતારાના દિગ્દર્શક પણ છે અને મુખ્ય અભિનેતા પણ છે.
‘કાંતારા ચેપ્ટર-1’ એ પહેલા રજૂ થયેલી ‘કાંતારા’ની પ્રિક્વલ છે. એટલે કે કાંતારામાં જે પૂર્વજોના વચન ભંગની અને તેમાં દૈવી શક્તિના પરચાની વાત હતી તે પૂર્વજો વિશે કાંતારા ચેપ્ટર-1માં જણાવવામાં આવશે. ચેપ્ટર-1ની કથા અંદાજે 2જી સદીના સમયગાળામાં કર્ણાટકમાં ફેલાયેલા કદંબા સામ્રાજ્યની વાત કરે છે. ટીઝરની શરૂઆતમાં ઋષભ જંગલમાં દોડતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એક ભયાનક સંગીત સંભળાઇ રહ્યું છે. લોહીથી લથપથ અવતારમાં ઋષભનો લુક જોઇને કોઇને પણ રૂંવાટા ઉભા થઇ જાય તેવી લાગણી થાય છે.
આ ફિલ્મનું હજુ શૂટિંગ બાકી છે. આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મને હિન્દી ઉપરાંત અન્ય 7 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ઓગસ્ટ 2024 સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.