એક્ટ્રેસ અડધી રાત્રે બાઈકને ઉલાળીને 3ને ઘાયલ કરીને ભાગી ગઈ, CCTVથી ઓળખાઈ…

બેંગલુરુ : બેંગલુરુમાં 4 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે થયેલી હિટ એન્ડ રન અકસ્માત કેસનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ગાડી ચલાવનારની ઓળખ કરી છે. જેમાં પોલીસે કન્નડ અભિનેત્રી અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક દિવ્યા સુરેશ કાર ડ્રાઇવ કરી રહી હોવાની ઓળખ કરી છે.
આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત 4 ઓક્ટોબરના રોજ સવારે 1:30 વાગ્યે બ્યાતરાયણપુરામાં નિત્યા હોટેલ પાસે થયો હતો. 7 ઓક્ટોબરના રોજ બાઇક સવાર કિરણની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ફરિયાદ મુજબ કિરણ બે બહેનો અનુષા અને અનિતા સાથે મુસાફરી કરી રહી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પુર ઝડપે આવી રહેલી કારે તેમની બાઇકને ટક્કર મારી કાર ચાલક ભાગી છુટ્યો હતો. જેમાં કિરણ અને અનુષાને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે અનિતાને પગમાં ફ્રેક્ચર થયું હતું. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

કન્નડ અભિનેત્રી દિવ્યાની ઓળખ સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવી
આ અકસ્માત કેસમાં કન્નડ અભિનેત્રી દિવ્યાની ઓળખ સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવી હતી. તેના નિવેદનમાં, ડ્રાઇવરને અજાણ્યા તરીકે ઓળખવામાં આવ્યો હતો અને તે એક મહિલા ચલાવી રહી હતી. પોલીસે પાછળથી નજીકના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ દ્વારા કાર શોધી કાઢી અને પુષ્ટિ કરી કે તે દિવ્યા સુરેશની છે. ટ્રાફિક વેસ્ટના DCP ડૉ. અનુપ શેટ્ટીએ જણાવ્યું હતું કે ઘટનામાં સામેલ કાર જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
દિવ્યા સુરેશ કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં રાઉડી બેબીનો સમાવેશ થાય છે. તે બિગ બોસ કન્નડમાં પણ જોવા મળી હતી.



