મનોરંજન

Kanguva Movie Review: બૉબી દેઓલ અને સૂર્યાની આ ફિલ્મને રેઢીયાળ સ્ક્રીપ્ટનું લાગ્યું ગ્રહણ

મૂળ સાઉથની પણ પેન ઈન્ડિયા ફિલ્મ રિલીઝ થાય એટલે દર્શકોનો એક મોટો વર્ગ એકસાઈટેડ હોવાનો જ, લાર્જર ધેન લાઈફ સેટ, કાલ્પનિક પાત્રો, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ વગેરે લોકોને આકર્ષે, પણ આ બધા વચ્ચે એક વાત નિર્માતા-નિર્દેશકે ધ્યાનમાં લેવા જેવી હોય છે અને તે છે સ્ક્રીપ્ટ. નાની મોટી મર્યાદાઓ બીજી બધી બાબતોથી ડંકાઈ જાય ,પણ જો વાર્તામાં કંઈ દમ ન હોય તો ડિરેક્ટર ખાસ કંઈ ઉકાળી શકે નહીં. બોબી દેઓલ અને સૂર્યાની ફિલ્મ કંગુવાના આવા જ હાલ થયા છે. ક્યાંકથી બે ચાર કટકા દેવરાના લઈ લીધો તો ક્યાંક કલ્કિના બે સીન જોડી દીધા ને બનાવી નાખી ફિલ્મ, પણ ભઈ વાર્તા તો જો, કહેવા જેવી છે કે નહી.

ફિલ્મ પુનર્જન્મની વાર્તા લઈને આવી છે, પણ કર્ઝ કે ઓમ શાંતિ ઓમની જેમ આ હીરોનો જન્મ તમને ખાસ કઈ ઈમ્પ્રેસ કરતો નથી.
આ વાર્તા હજાર વર્ષના સમયગાળામાં કૂદકા મારે છે. ક્યારેક એમ લાગે કે ‘દેવરા પાર્ટ વન’ પાંચ ટાપુઓની વાત છે. એક હજાર વર્ષ પહેલા ફિરંગીઓ આ ટાપુઓ પર કબજો કરવા આવી રહ્યા છે અને કબજો શરૂ કરતા પહેલા તેઓ આ ટાપુઓના લોકોને એકબીજા સાથે લડાવી રહ્યા છે. કંગુવા એક ટાપુના રાજાનો પુત્ર છે.

ફિલ્મ શરૂ થયાના અડધા કલાક પછી સ્ક્રીન પર દેખાય છે, સંજોગોને કારણે તેને એક ટાપુના રાજા ઉધિરનનો સામનો કરવો પડે છે જ્યાં અંતિમ સંસ્કાર સમયે આખું શરીર કાગડાને સોંપવાની પરંપરા છે. આ યુદ્ધમાં ઉધિરનના પુત્રો માર્યા ગયા. તેનો બીજો પુત્ર પણ છે જેના વિશે કોઈ વધારે જાણતું નથી. દિગ્દર્શક શિવે ફિલ્મમાં આ સરપ્રાઈઝ ફેક્ટર રાખ્યું છે.

ફિલ્મમાં એનિમલના એકશન માસ્ટર સુપ્રીમ સુંદરે પણ અતિરેક કરી નાખ્યો છે. એકશન ફિલ્મ હોય તે રીતે ન જોઈએ ત્યા પણ મારધાડ બતાવી છે અને તે પણ આંખોને જોવી ન ગમે તેવી.
થાઈલેન્ડમાં શૂટ કરેલા એકશન સિન્સ પણ દર્શકોને ગમ્યા નથી. એમુક સિન્સ તો કલ્કિના સેટ પરના જ લાગે છે. ફિલ્મની કથા, નિર્દેશન સાથે તેની ભંગાર એક્શન પણ ફિલ્મને બોરિંગ બનાવી દે છે.

તો બીજી બાજુ સૂર્યા જેવા અભિનેતા પાસેથી અપેક્ષિત હોય તેવો અભિનય પણ નથી કરાવી શકાયો. સાઉથના સુપરસ્ટાર હિન્દી બેલ્ટમાં આવા રોલ સાથે તો નહીં ચાલે તેમ ફિલ્મી પંડિતો પહેલા જ દિવસથી કહી રહ્યા છે. બોબી દેઓલ પણ વિલનના રોલમાં ખાસ કંઈ જાદુ ચલાવી શક્યા નથી. વિચિત્ર પ્રકારનો લૂક અને અસર વિનાના ડાયલૉગ્સ તેને એનિમલના અબરાર જેવો ખુંખાર બનાવવાને બદલે હાસ્યાસ્પદ બનાવી રહ્યા છે.

અને હા, તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક હીરોઈન પણ છે. દિશા પટ્ટણી. હવે તો તમે ફિલ્મ જોવા જાઓ ને તમને તે દેખાય તો તમારા નસીબ, કારણ કે તેનો સ્ક્રીનટાઈમ બીજા કેરેક્ટર આર્ટિસ્ટ કરતા પણ ઓછો છે.
એકંદરે ફિલ્મ દરેક મોરચે નિષ્ફળ છે અને દર્શકોને હતાશ કરનારી છે. ફિલ્મ જોવાનું મન થાય તો ઓટીટી પર ઘણા સારા ઑપ્શન છે. પછી તમારી મરજી…
મુંબઈ સમાચાર રેટિંગઃ 1/5

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button