Kangnaની વાત સાચી, અન્નુ કપૂર પાસેથી આવી અપેક્ષા ન હતી

બોલીવૂડમાં એકબીજા પર તંજ કસવાનો, ટીકા-ટીપ્પણી કરવાનો, સોશિયલ મીડિયા પર ગમે તેવા નિવેદનો આપવાનો અને ટ્રોલ કરવાનો વગેરે ટ્રેન્ડ વધતો જાય છે. નવા આવેલા કે અમુક બટકબોલકાઓ જેમ તેમ બફાટ કરે તે સમજાય પણ જેમણે પોતાની કલા અને વાણીથી એક સ્થાન મેળવ્યું હોય તેઓ જ્યારે ચિત્ર-વિચિત્ર જવાબ આપે ત્યારે નજરમાં આવી જતા હોય છે.
આવું જ કંઈક અન્નુ કપૂરે કર્યું. Annu Kapoor ફિલ્મજગતમાં સારી છાપ ધરાવતી, બુ્દ્ધિશાળી વ્યક્તિ તરીકે જણીતા છે. તાજેતરમાં તેમની ફિલ્મ હમારે બારાહ વિવાદમાં પડી હતી, પરંતુ કોર્ટે લીલી ઝંડી આપી દેતા હવે તે રિલીઝ થવાની છે. મુસ્લિમ મહિલાઓ સાથે થતા ખરાબ વ્યવહાર પર આધારિત ફિલ્મ અંગે વાત કરવા તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ કોન્ફરન્સમાં જયારે અભિનેત્રી અને સાંસદ કંગના રાણૌટ સાથે થયેલા થપ્પડકાંડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અન્નુ કપૂરે વિચિત્ર જવાબ આપ્યો. તેણે સામેથી પૂછ્યું કે આ કંગનાજી કોણ છે, કોઈ મોટી હીરોઈન છે, સુંદર છે. તેના આ સવાલે સૌને આશ્ચર્યમા મૂક્યા, પરંતુ કંગનાએ તેને બરાબરનો જવાબ આપ્યો.
કંગનાએ કહ્યું કે શું તમે અન્નુ કપૂરજીની વાત સાથે સહમત છો કે કોઈ મહિલા સફળ હોય તો આપણે તેને નફરત કરીએ છીએ, તે સુંદર હોય તો વધુ નફરત કરીએ છીએ અને જો તે શક્તિશાળી હોય તો ખૂબ જ નફરત કરીએ છીએ.
કંગનાના જવાબ બાદ અન્નુ કપૂરની કોઈ પ્રતિક્રિયા આવી નથી, પણ એ વાત ખરી કે અન્નુ કપૂર જવાબ દેવાનું ટાળી શક્યા હોત, અથવા તો અર્થપૂર્ણ વાત કરી શક્યા હોત.