કંગના રનૌતના પુત્ર અધ્યયન સાથેના સંબંધો અંગે શેખર સુમને કહ્યું કે……
શેખર સુમન દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળવાના છે. આ સિરીઝમાં શેખર નવાબ ઝુલ્ફીકારની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં, શેખર સુમને તેના નવા ઇન્ટરવ્યુમાં અભિનેત્રી કંગના રનૌત વિશે વાત કરી હતી.
એક સમય હતો જ્યારે કંગના અને શેખરનો પુત્ર અધ્યયન સુમન રિલેશનશિપમાં હતા. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે તેઓએ જાહેરમાં એકબીજા પર કાદવ ઉછાળ્યો હતો. શેખર સુમન પણ તે સમયે પુત્રના સમર્થનમાં આવ્યો હતો અને કંગના પર કાદવ ઉછાળ્યો હતો, પણ હવે પરિસ્થિતિ બદલાઇ છે. હવે શેખરે ફરી એકવાર કંગના રનૌત વિશે વાત કરી છે, પણ તેમનો સૂર બદલાઈ ગયો છે.
શેખર સુમને વર્ષો પછી કંગના રનૌત અને અધ્યયન સુમન વચ્ચેના સંબંધો વિશે વાત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે બંને વચ્ચે કોઈ દુશ્મનાવટ અને દ્વેષ નથી. શેખરે કહ્યું હતું કે, ‘આપણે બધા જીવનના જુદા જુદા તબક્કામાંથી પસાર થઈએ છીએ. આજે જે યોગ્ય લાગે છે તે કાલે યોગ્ય ન લાગે. કોઈ પણ સંબંધમાં રહેવા, બ્રેકઅપ અને પછી આગળ વધવા માંગતું નથી. દરેક કપલ ઈચ્છે છે કે તેમનો સંબંધ કાયમી રહે કારણ કે તે ઊંડા અને પવિત્ર હોય છે.
ALSO READ : Kangana Ranaut: નેતાજીના વંશજોએ કંગનાને ઈતિહાસનો પાઠ ભણાવ્યો, નેતાજીના નામે રાજકારણ ન કરવા કહ્યું
61 વર્ષના શેખર સુમને અધ્યયન અને કંગના વચ્ચેના તૂટેલા સંબંધો માટે ભાગ્યને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે વ્યક્તિએ પોતાના જૂના સંબંધોને માત્ર પ્રેમભરી નજરથી જોવું જોઈએ. અભિનેતાએ કહ્યું, ‘નસીબ તેની ભૂમિકા ભજવે છે અને આપણે તેનું પાલન કરવું પડે છે. કંગના અને અધ્યયન જ્યારે સાથે હતા ત્યારે ખુશ હતા. અને પછી તેઓ તેમના અલગ માર્ગે ગયા. જે થવાનું હતું તે થઇ ગયું. હવે તેમની વચ્ચે કોઈ ખરાબ લાગણી કે દુશ્મનાવટ નથી. કેટલીકવાર વસ્તુઓ જોશમાં થઇ જાય છે. પરંતુ તમારે વસ્તુઓને પ્રેમથી જોવી જોઈએ. શેખર સુમને જાણીતા કવિ અને ગીતકાર સાહિર લુધિયાનવીના શબ્દોનું દોહરાવતા કહ્યું હતું કે, ‘ વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે ઇક ખુબસૂરત મોડ દેકર છોડના અચ્છા. (‘જે વાર્તાને સુંદર ટ્વિસ્ટ આપીને પૂરી ન કરી શકાય એવી વાર્તાને છોડી દેવી સારી.)’
શેખર સુમનને કંગના રનૌતની રાજનીતિમાં એન્ટ્રી અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘અમે પણ હવે આગળ વધી ગયા છીએ. આ તેમના જીવનનો એક તબક્કો હતો. આના પર ટીપ્પણી કરનાર અને ન્યાય આપનાર આપણે કોણ છીએ? અમે બધા પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા છીએ અને બધા ખુશી અને સંતોષ મેળવવા માટે કામ કરી રહ્યા છીએ. હવે પાછળ જોવાનો અને કોઈની તરફ આંગળી ચીંધવાનો અને ‘આ સાચું છે’ અને ‘તે ખોટું છે’ કહેવાનો કોઈ ફાયદો નથી.