અંબાણી પરિવારમાં આજે જામશે જલસો, સંગીત સમારોહમાં જસ્ટિન બીબર, બાદશાહ કરશે પરફોર્મ

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થશે. આ લગ્ન માટે પરિવારમાં મંગળ માહોલ છે. પ્રી-વેડિંગ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. એવામાં 5 જુલાઈના રોજ સંગીત સમારોહ માટે જસ્ટિન બીબર દેશમાં પહોંચતાની સાથે જ આ ગ્રાન્ડ વેડિંગની અપેક્ષા ઘણી વધી ગઇ છે.
થોડા સમય પહેલા, રાધિકા અને અનંતના સંગીત સમારોહનું આમંત્રણ ઇન્ટરનેટ પર સામે આવ્યું હતું, જેમાં સંગીત સમારોહને “રાધિકા અને અનંતના દિલની ઉજવણી” તરીકે વર્ણવવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ સ્ટાર-સ્ટડેડ સમારોહ “ગીત, નૃત્ય અને અજાયબીની રાત્રિ” હશે. આ સંગીત સંધ્યામાં ભાગ લેવા અંબાણી પરિવારના સગાસંબંધીઓ, મિત્રો ઉપરાંત બોલિવૂડના અનેક સિતારાઓ તેમના બેસ્ટ પરિધાનમાં હાજરી આપશે.
આ પણ વાંચો : Anant Radhika Wedding: દાદી સાસુએ રાખેલા ગરબા ફંક્શનમાં ઝુમી ઉઠી રાધિકા
આજે, 5 જુલાઈ, 2024 ના રોજ, એ ભવ્ય દિવસ આવી ગયો છે, જ્યારે અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત સમારોહ આજે સાંજે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ધ ગ્રાન્ડ થિયેટરમાં યોજાશે. સાંજ માટેનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ગ્લેમ છે.
આ સંગીત સમારોહમાં પોપ આઇકોન જસ્ટિન બીબર પાર્ટીની શરૂઆત કરશે. ત્યાર બાદ ગાયક બાદશાહ અને કરણ ઔજલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પંજાબી ટ્વિસ્ટ ઉમેરશે.
આ ઉપરાંત એડેલે, ડ્રેક અને લાના ડેલ રે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવોમાં પરફોર્મ કરે તેવી અપેક્ષા છે. અનંત અને રાધિકા 12 જુલાઇથી ત્રણ દિવસીય ફંક્શનમાં હિંદુ વિધિથી લગ્ન કરવાના છે.