Jolly LLB 3 Review: લીગલ ઓછી ને ઈમોશનલ વધારે છે આ ફિલ્મ પણ જોવા જેવી…

જ્યારે કોઈ ફ્રેન્ચાઈઝી ફિલ્મની સિરિઝ આવે એટલે દર્શકો અમુક પ્રકારની અપેક્ષાઓ લઈને આવે અને તે અપેક્ષાઓ જો પૂરી ન થાય તો ક્યાંક થોડી નિરાશા થાય, જૉલી એલએલબી-3 સાથે આવું જ થયું છે, પરંતુ અહીં નિરાશ થવાની જરૂર નથી, તમે જે માગ્યું તે નથી પણ જે મળ્યું તે પણ માણવા જેવું છે. તો ચાલો જાણીએ અરશદ વારસી અને અક્ષય કુમારની ફિલ્મ જૉલી એલએલબી થ્રી કેવી છે.
શું છે વાર્તા
જૉલી એલએલબી-3 જ્યારે અનાઉન્સ થઈ ત્યારથી જ તમારા મનમાં એક હીટેડ કોર્ટરૂમ ડ્રામા આવી જાય છે. જૉલીમાં ડ્રામા છે, પરંતુ ઘણો ઓછો. જોકે લીગલ ડ્રામા ભલે ઓછો હોય, પણ ઈમોશનલ ડ્રામા અને આજના સમયના એક ખૂબ જ ગંભીર વિષયને પદડા પર લાવાવમાં આવ્યો છે, તેથી ફિલ્મ ઓરિજિનલ લાગે છે અને નવો જ વિષય દર્શકો સામે આવી રહ્યો છે.

ફિલ્મ આ દેશના ખૂણે ખૂણે બની રહેલી ઘટનાની છે. મોટા બિઝનેસમેન દ્વારા ખેડૂતોની જમીન હડપવાના કિસ્સાઓ આપણે ત્યાં બને છે તો ઘણા, પણ છપાતા નથી. આ ફિલ્મ આ વિષયને લઈ આવી તે માટે સમગ્ર ટીમનો આભાર માનવો પડે. જે ખેડૂતની જમીન હડપી લેવામાં આવે છે, તે આત્મહત્યા કરે છે અને તેની પત્ની કોર્ટમાં ધા નાખે છે. હવે કોર્ટમાં શું થાય છે અને કઈ રીતે આ ડ્રામા આગળ વધે છે તે જોવા તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામાને જેટલો એક્સપ્લોર કરવાની તક હતી તે ઝડપવામાં નથી, આવી અને ફિલ્મનો ઈમોશનલ પાર્ટ વધી જતો લાગે છે. આનાથી વિષયને ટચ કરી મૂકી દીધો હોય તેમ લાગે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો જ ઈન્ટરેસ્ટિંગ છે અને ફિલ્મમાં સરપ્રાઈઝ એલિમેન્ટ્સ પણ ઘણા છે. આ સાથે ફિલ્મ અમુક સિન્સને બાદ કરતા ક્યાં નબળી કે બોરિંગ થતી નથી, તમે સતત જકડાયેલા રહો છો, હસો છો, રડો છો, વિચારો છો, પણ બોર થતા નથી.

કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન
અક્ષય કુમાર અને અરશદ વારસી બન્ને જૉલીના રોલમાં સુપરહીટ થઈ ગયા છે અને અગાઉની બન્ને ફિલ્મમાં સૌરભ શુક્લાએ પણ દમદાર અભિનય કર્યો છે, પરંતુ આ ફિલ્મમાં જો કોઈ છવાઈ ગયુ હોય તો તે છે સીમા બિશ્વાસ અને ત્યારબાદ ગજરાજ રાવ. આ બન્નેએ પોતાના રોલમાં કમાલ કરી દીધી છે.
તમે ફિલ્મ જોશો તો એવું બને કે તમને સીમા બિશ્વાસ અને ગજરાજ વધારે યાદ રહે. આ સાથે સૌરભ શુક્લ પણ ફરી યાદગાર અભિનય કરી ગયા છે. અક્ષય અને અરશદ સારા જ રહ્યા, પણ કંઈ નવું તેમણે કર્યું નહીં કે તેમના ભાગે આવ્યું નથી, પણ એકંદરે બધાએ જ પોતાના રોલને ફીટ થવાની સો ટકા કોશિશ કરી છે. હુમા કુરેશી અને અમૃતા રાવના ભાગે કંઈ આવ્યું નથી એટલે તેમના વિશે કંઈ કહેવું યોગ્ય નહીં કહેવાય.
ડિરેક્શનની વાત કરીએ તો સુભાષ કપૂર લગભગ સફળ રહ્યા. તેમણે ફિલ્મને લીગલ સાથે ઈમોશનલ ટચ આપ્યો. ખૂબ ગંભીર વિષયને હળવાશથી રજૂ કર્યો પણ ક્યાંય તેની ગંભીરતા ઓછી થવા દીધી નથી. કપૂરને ખબર છે કે આ ફિલ્મમાં ક્યાં ડાયલોગ્સ અને ક્યાં મૌન કામ આવશે. તેણે માત્ર એક જ ટાઈટલ સૉંગ રાખ્યું છે.
તેમણે જો થોડી લીગલ આસ્પેક્ટ્સ વધારી હોય તો ફિલ્મ ખરેખર માસ્ટરપીસ બની જાત. દો બિઘા જમીન કે ઉપકાર જેવી ગણી ગાંઠી ફિલ્મોને બાદ કરીએ તો ખેડૂતોના જીવન પર ઓછું જ કહેવાયું છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો ક્યારેય ફિલ્મના હીરો રહ્યા નથી. આ ફિલ્મ તેના વિષય માટે તો ચોક્કસ જોવી.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 4/5
આ પણ વાંચો…PM મોદીના જન્મદિવસ પર કલાકારોની શુભેચ્છાઓનું આવ્યું પૂર, અક્ષય કુમારથી લઈ રજનીકાંતે શું લખ્યું?