મનોરંજન

અભિષેક મલ્હાન સાથેની સગાઈની વાત પર જિયા શંકરે કરી સ્પષ્ટતા, કહ્યું કે…

બિગ બોસ OTT 2 ફેમ અભિનેત્રી જીયા શંકર અને લોકપ્રિય યુટ્યુબર અભિષેક મલ્હાન (ફુકરા ઇન્સાન) ની સગાઈના સમાચારોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી. જોકે, હવે ખુદ અભિનેત્રીએ આ મામલે મૌન તોડ્યું છે અને અફવાઓ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

છેલ્લાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને પેજ થ્રી પર એવા સમાચારો વાંચવા મળી રહ્યા છે કે જિયા શંકરે અભિષેક મલ્હાન ઉર્ફે ફુકરા ઈન્સાન સાથે સગાઈ કરી લીધી છે અને બંને જણ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે, જિયાએ હવે આ અફવાઓ પર ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને પૂર્ણ વિરામ મૂક્યું છે.

જિયા શંકરે ગઈકાલે રાતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે એક ‘મિસ્ટ્રી મેન’ સાથે રોમેન્ટિક તસવીર મૂકી છે, જેમાં મિસ્ટ્રી મેન જિયાના ફોરહેડ પર કિસ કરી રહ્યો છે. જોકે, જિયાએ હાર્ટ ઈમોજીથી પોતાના લવ ઓફ લાઈફનો ચહેરો છુપાવ્યો છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “ખોટી અફવાઓને 2025માં જ છોડી દો!” આ સાથે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે અભિષેક સાથેની તેની સગાઈની વાતો માત્ર અફવા છે.

જિયા શંકર અને અભિષેક મલ્હાનની સગાઈની અફવાની શરૂઆત એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થઈ હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ ઓફિશિયલ છે! ફુકરા ઇન્સાન અને જિયા શંકરે તેમની રિલેશનશિપ કન્ફર્મ કરી છે અને ટૂંક સમયમાં સગાઈ પણ કરી શકે છે. આ પોસ્ટ જોતજોતામાં વાઈરલ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો કેટલાક લોકોએ એવો દાવો કરવાનું શરૂ કરી દીધું કે બંનેએ સગાઈ કરી લીધી છે.

વાત કરીએ જિયા અને અભિષેક વિશે તો બંને જણ પહેલી વખત બિગ બોસ OTT સીઝન 2માં સાથે જોવા મળ્યા હતા. આ શો દરમિયાન બંનેની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. શો બાદ બંને જણે એક મ્યુઝિક વિડિયોમાં પણ સાથે કામ કર્યું હતું, જેને કારણે તેમના અફેયરની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી હતી. જોકે, 2024માં જ જિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ માત્ર સારા મિત્રો છે અને તેનાથી વિશેષ કંઈ નથી.

હવે આ બધી વાત જાણીને ચોક્કસ જ તમને સવાલ થઈ રહ્યો હશે કે જો જિયા શંકર અભિષેક મલ્હાનને નહીં તો કોને ડેટ કરી રહી છે? કોણ છે આ જિયા સાથે ફોટોમાં જોવા મળી રહેલો આ મિસ્ટ્રી મેન? ખેર આ બધા સવાલોના જવાબ તો જિયા જ વધારે સારી રીતે આપી શકશે, આપણે તો માત્ર અટકળો લગાવી શકીએ ભાઈસાબ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button