હેં, તુષાર કપૂર અને જિતેન્દ્રએ 559.25 કરોડ રૂપિયામાં વેચી પ્રોપર્ટી, જાણો કોણે ખરીદી?

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂરે મુંબઈમાં એક મોટી રિયલ એસ્ટેટ ડીલ કરીને સૌને ચોંકાવી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પિતા-પુત્રની જોડીએ મુંબઈના ચાંદીવલી વિસ્તારમાં આવેલી તેમની એક કોમર્શિયલ પ્રોપર્ટી આશરે રૂપિયા 559.25 કરોડમાં વેચી દીધી છે. ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…
એક જાણીતી રિયલ એસ્ટેટ ડેટા એનાલિસિસ ફર્મ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રોપર્ટી ચાંદીવલીના બાલાજી આઈટી પાર્કમાં (DC-10 બિલ્ડિંગ) આવેલી છે. આ વિશાળ કોમર્શિયલ સ્પેસ લગભગ 30,195 સ્ક્વેર મીટર (આશરે 3,25,016 સ્ક્વેર ફૂટ)ના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલી છે.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કપૂર પરિવારની આ પ્રોપર્ટી જાપાનીઝ ટેક કંપની એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ એન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવી છે. આ સોદો તુષાર કપૂરની કંપની તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને જિતેન્દ્રની કંપની પેન્થિયન બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કપૂર ફેમિલીએ બીજી મોટી ડીલ ફાઈનલ કરી છે. આ પહેલાં ગયા વર્ષે એટલે કે 2025ના મે મહિનામાં જિતેન્દ્ર અને કપૂર પરિવારે અંધેરીમાં જમીનનો એક પ્લોટ રૂપિયા 855 કરોડમાં વેચ્યો હતો. રિયલ એસ્ટેટ માર્કેટમાં આ સૌથી મોંઘી ડીલ્સમાંથી એક ડીલ માનવામાં આવે છે.
તુષાર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તુષાર કપૂર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. આ સિવાય ‘બૂ સબકી ફટેગી’ અને ‘દસ જૂન કી રાત’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. જિતેન્દ્ર કપૂરની વાત કરીએ તો, તેઓ હિન્દી સિનેમાના સુપરસ્ટાર રહ્યા છે અને હાલમાં તેઓ તેમના બિઝનેસ અને પ્રોડક્શન હાઉસ (બાલાજી ટેલિફિલ્મ્સ) પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
આપણ વાંચો: વ્હાઈટ ઓફ-શોલ્ડર ડ્રેસમાં પ્રિયંકા ચોપ્રાએ ઉડાવ્યા ફેન્સના હોંશ, તમે પણ જોશો તો…



