ઐશ્વર્યાને લઈને જયા બચ્ચને કર્યો ચોંકાવનારો ખુલાસો…
દરેક મુદ્દા પર કોઈ પણ પ્રકારના સંકોચ કે ખચકાટ વિના પોતાની રાય રાખનાર જયા બચ્ચને વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચન સાથેના સંબંધોને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અહં… તમે જો વિચારી રહ્યા હોવ કે હાલમાં બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે જયા બચ્ચને આ ખુલાસો કર્યો છે તો ભાઈ એવું બિલકુલ નથી. આ તો જયા બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યુ છે અને એજ વાઈરલ થઈ રહ્યો છે.
છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે. મળી રહેલી માહિતી અનુસાર ઐશ્વર્યા છેલ્લાં કેટલાય સમયથી પોતાના સાસરે નહીં પણ પિયરમાં રહે છે. આ બધા રમખાણ વચ્ચે જયા બચ્ચનનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે ઐશ્વર્યા સાથેના સંબંધને લઈને વાત કરતી જોવા મળી રહી છે. જયા બચ્ચને આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો મને ઐશ્વર્યાની કોઈ વાત નથી ગમતી તો હું તેને તરત જ મોઢા પર જણાવી દઉં છું.
એટલું જ નહીં પણ જયા બચ્ચને ઈન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે તે મારી મિત્ર છે અને જો મને એની કોઈ વાત નથી ગમતી તો હું એને મોઢા પર જ કહી દઉં છું, કારણ કે હું પીઠ પાછળ રાજકારણ નથી કરતી. સામે પક્ષે જો ઐશ્વર્યાને પણ મારી કોઈ વાત નથી ગમતી તો તે પણ મને મોઢા પર જ જણાવે છે. ફરક માત્ર એટલો જ છે કે તેણે વહુ હોવાની મર્યાદા રાખવી પડે છે, કારણ કે હું તો પરિવારની વડીલ છું.
જયા બચ્ચને આગળ એવું પણ કહ્યું હતું કે જ્યારે પણ અમે લોકો સાથે હોઈએ છીએ ત્યારે અમે લોકો ખૂબ જ એન્જોય કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક વખત જયા બચ્ચન પોતાના વહુરાણીના વખાણ કરી ચૂક્યા છે. એકાદ વખત તો જયા બચ્ચને ઐશ્વર્યાને એક સારી માતાનો ખિતાબ પણ આપ્યો હતો.
અહીંયા તમારી જાણ માટે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન 20મી એપ્રિલ, 2007ના લગ્ન કર્યા હતા અને હવે તેમના વચ્ચે દરાર પડી હોવાનું કહેવાઈ રહ્યું છે, જોકે હજી સુધી બંનેમાંથી કોઈએ આ બાબતે સત્તાવાર જાહેરાત કરી નથી.