મનોરંજન

બોલીવૂડના સૌથી લાંબો સમય સાંસદ રહેનાર સેલિબ્રિટી, બચ્ચન પરિવાર સાથે છે ખાસ સંબંધ…

બોલીવૂડ અને રાજકારણનો સંબંધ ખૂબ જ જૂનો છે. આપણી પાસે અનેક નેતાઓ એવા છે કે જેઓ પહેલાં અભિનેતા હતા, પરંતુ જ્યારે સૌથી લાંબો સમય સાંસદ તરીકે સેવા આપવાની વાત આવે છે, ત્યારે એક જ નામ મોખરે આવે છે અને એ નામ એટલે જયા બચ્ચન. 70 અને 80ના દાયકાના સુપરસ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની હોવા સિવાય જયા બચ્ચને રાજકારણમાં પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી છે.

જયા બચ્ચન માત્ર એક સેલિબ્રિટી સાંસદ નથી, પરંતુ સંસદના સૌથી મુખર અને શિસ્તબદ્ધ સભ્યોમાંના એક ગણાય છે. જયા બચ્ચન 2004થી સતત રાજ્યસભાના સભ્ય છે. હાલમાં તેઓ તેમના પાંચમા કાર્યકાળમાં છે. જયાજી હંમેશા ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં પહોંચ્યા છે. વાત કરીએ તેમની કરન્ટ ટર્મની તો તેમની વર્તમાન ટર્મ એપ્રિલ, 2024થી શરૂ થઈ છે અને 2030 સુધી ચાલશે.

તમારી જાણકારી ખાતર કે બોલીવૂડના અન્ય સ્ટાર્સ જેમ કે હેમા માલિની, શત્રુઘ્ન સિંહા કે રેખાની સરખામણીમાં જયા બચ્ચનનો સંસદીય કાર્યકાળ સૌથી લાંબો અને અવિરત રહ્યો છે. અનેક વખત એવું બને છે કે સેલિબ્રિટી સાંસદો સંસદમાં તેમની ઓછી હાજરી માટે ટીકાના પાત્ર બનતા હોય છે, પરંતુ જયા બચ્ચનનો રેકોર્ડ આનાથી સાવ ઉલટો છે.

સંસદમાં જયા બચ્ચનની સરેરાશ હાજરી લગભગ 83 ટકા રહી છે, જે રાષ્ટ્રીય સરેરાશ 80 ટકા કરતાં પણ વધારે છે. આ સિવાય 2023, 2024 અને 2025ના કેટલાક સત્રોમાં તો તેમની હાજરી 100 ટકા જેટલી રહી છે. અત્યાર સુધીમાં તેમણે 338થી વધુ ચર્ચાઓમાં ભાગ લીધો છે અને 451થથી વધુ પ્રશ્નો પણ પૂછ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન સંસદમાં અવારનવાર મહિલા સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય, દિવ્યાંગોના અધિકારો, સોશિયલ મીડિયા પર અશ્લીલતા અને ફિલ્મ ઉદ્યોગની સમસ્યાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. જયા બચ્ચન તેમના કડક સ્વભાવ અને સ્પષ્ટવક્તા હોવા માટે જાણીતા છે. તાજેતરના વર્ષોમાં રાજ્યસભાના સભાપતિ સાથેની તેમની તીખી નોકઝોક અને પોતાને શ્રીમતી જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધવા સામેનો તેમનો વિરોધ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button