
લખનઉ: બોલિવૂડના પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ સ્વર્ગસ્થ કવિ મુનવ્વર રાણાના અંતિમ સંસ્કાર માટે લખનઉ પહોંચી ગયા હતા. આ દુ:ખદ પ્રસંગે જાવેદ અખ્તર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે મુનવ્વર રાણાના નિધન માટે કહ્યું હતું કે ‘ભારતની સંસ્કૃતિનું મોટું નુકસાન’ થયું છે.
‘મા’ પર ઘણી ગઝલો લખનાર પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું 71 વર્ષની વયે 14 જાન્યુઆરી 2024ના રોજ લખનઉમાં અવસાન થયું હતું. મુનવ્વર રાણા દેશના પ્રખ્યાત કવિઓમાંના એક તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમને લખનઉના પીજીઆઈ હોસ્પિટલમાં એડમિટ હતા જ્યાં તેમની ઘણા લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.
જાવેદ અખ્તર જ્યારે આજે સ્વર્ગસ્થ મુનવ્વરના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લખનઉ પહોંચ્યા ત્યાં તેમણે કવિની અંતિમયાત્રાને કાંધ પણ આપી હતી. જાવેદ અખ્તરે કહ્યું હતું કે મુનવ્વર રાણાના અવસાનથી આપણને ઘણું મોટું નુકસાન થયું છે. પછી તે નુકસાન શાયરીનું કહો કે ઉર્દુ ભાષાનું કહો કે પછી ભારતની સંસ્કૃતિનું કહો પરંતુ આપણને નુકસાન થયું છે.
જાવેદ અખ્તરે એમ ફમ કહ્યું હતું કે પહેલા રાહત ઈન્દોરી, પછી નિદા ફાઝલી અને હવે મુનવ્વર રાણા જેવા કવિઓના નિધનને કારણે ભારતીય સંસ્કૃતિનો ભાષાનો વારસો ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યો છે. અને મને નથી લાગતું કે તેની ક્યારેય ભરપાઈ થઈ શકશે. જાવેદ અખ્તરે મુનવ્વર રાણાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે મુનવ્વરને હંમેશા બઘાના દિલોમાં રહેશે.
આ ઉપરાંત જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે પહેલા ક્યારેય કોઈ ગઝલમાં મા નો ઉલ્લેખ નહોતો થતો પરંતુ મુનવ્વર રાણાએ પોતાની ગઝલોમાં માનો ઉલ્લેક કર્યો અને માતાનો શું રોલ છે આપણી જિંદગીમાં તે સમજાવ્યું. અત્યારના સમયમાં લોકો શાયરી નથી કરતા કારણકે સારી શાયરી કે ગઝલ કરવી મુશ્કેલ છે તેમાં પણ પોતાની રીતે એવી ગઝલની રચના કરવી કે જે લોકોને પસંદ પડે અને તેનો કોઈ મર્મ હોય અને મુનવ્વર રાણા એવી શાયરી અને ગઝલોના કારણે દરેકના દિલોમાં રાજ કરશે.