Jamtara Season 2 વેબ સિરીઝના 25 વર્ષીય એક્ટરે ઘરે ફાંસી લગાવી કરી આત્મહત્યા…

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે દિવસો કંઈ ખાસ સારા ચાલી રહ્યા હોય એવું નથી લાગી રહ્યું એક પછી એક કલાકારોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં પંકજ ધીર, ત્યાર બાદ અસરાની અને સતિષ શાહ બાદ હવે વેબ સિરીઝ જામતાડાના કલાકાર અને મરાઠી એક્ટર સચિન ચંદવડેના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. 25 વર્ષીય સચિને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 23મી ઓક્ટોબરના સચિને પુણે ખાતે આવેલા તેના ફ્લેટમાં ગળે ફાંસી લગાવી લીધી હતી. પરિવારના લોકો તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની હાલત કથળતી ગઈ અને ત્યાર બાદમાં તેમના પરિવારે તેને ધુળે સ્થિત હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. 24મી ઓક્ટોબરના રોજ સચિનનું નિધન થઈ ગયું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સચિન વેબ સિરીઝ જામતાડાની સેકન્ડ સિઝનમાં જોવા મળ્યા હતા. એક્ટિંગ સિવાય સચિન પુણેના આઈટી પાર્કમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. પરિવારના સભ્યો અને મિત્રો પણ સચિનના આ પગલાંથી ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તે એક જમીનથી જોડાયેલો અને દ્રઢ નિશ્ચયી વ્યક્તિ તરીકે ઓળખે છે.
બાળપણથી જ એક્ટિંગના શોખિન સચિને આત્મહત્યાના થોડાક દિવસ પહેલાં જ આગામી મરાઠી ફિલ્મ અસુરવનનું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. સચિન રામચંદ્ર અંબટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેની સાથે પૂજા મોઈલી, અનુજ ઠાકરે પણ જોવા મળ્યા હતા. આ થ્રિલર ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રીલિઝ થશે, જેમાં સચિને લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મનું પ્રમોશન હજી શરૂ જ થયું હતું અને આવા સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જોકે, હજી સુધી પરિવાર દ્વારા સચિનના નિધનને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પોલીલે પણ આ બાબતે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આત્મહત્યાનું કારણ પણ હજી સુધી સામે આવ્યું નથી.



