‘એનિમલ’ની મહાકાય મશીનગન બનાવવામાં લાગ્યા આટલા મહિના, 100 વ્યક્તિઓ-500 કિલો સ્ટીલ વપરાયું
1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ એ કમાણીના તમામ રેકોર્ડ્ઝ તોડી નાખ્યા છે. ફિલ્મ 100 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જ્યારે વિશ્વભરમાંથી તેણે અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.
ફિલ્મની કથાને લઇને લોકોમાં 2 મત છે, ઘણાને આ ફિલ્મ પસંદ આવી છે, તો ઘણાને નથી પણ આવી. જે લોકોને આ ફિલ્મ ગમી છે એમાં ક્લાઇમેક્સનો સીન તમામને પસંદ આવી રહ્યો છે, આ સીનમાં રણબીર મહાકાય મશીનગનથી તેના દુશ્મનો પર ફાયરિંગ કરી રહ્યો છે. કેટલાક લોકોને આ સીનમાં પણ VFXની કમાલ હોય તેવું લાગ્યું હતું, જો કે VFX નહિ, પરંતુ ખરેખર આ મહાકાય મશીનગનને સેટ ડિઝાઇન હોય એ રીતે બનાવવામાં આવી હતી.
એક મીડિયા અહેવાલમાં પ્રોડક્શન ડિઝાઈનર સુરેશ સેલ્વરાજને જણાવ્યું હતું કે આ મશીનગનનું ખરેખર નિર્માણ થયું છે. તેને બનાવવામાં 100 લોકોએ 5 મહિના સુધી મહેનત કરી હતી. મશીન બનાવવામાં 500 કિલો સ્ટીલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સુરેશે કહ્યું હતું કે, ‘અમે કંઈક એવું બનાવવાનો પ્રયાસ કર્યો જે ક્યાંય ઉપલબ્ધ નહોતું, તેનો ક્યાંય સંદર્ભ ઉપલબ્ધ નહોતો. આથી તેને બનાવવામાં પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. સંદીપના વિઝન મુજબ મેં તેને બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મને કહ્યું હતું કે તેને એક મશીનગનની જરૂર છે, જે સામાન્ય કરતાં મોટા કદની હોય. મેં વિચાર્યું, ઠીક છે, હું તેને મૂળ કદ કરતાં થોડી મોટી બનાવી શકું છું. અમે કોન્સેપ્ટ ડિઝાઇનિંગથી શરૂઆત કરી હતી અને પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા હતા.” તેમ સુરેશે જણાવ્યું હતું.