કરોગે યાદ તો હર બાત યાદ આયેગીઃ સૂરોના સરતાજને Happy Birthday | મુંબઈ સમાચાર

કરોગે યાદ તો હર બાત યાદ આયેગીઃ સૂરોના સરતાજને Happy Birthday

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, કભી કિસીકો મુક્મલ જહાં નહીં મિલતા, કિસી નઝર કો તેરા ઈન્તઝાર આજ ભી હૈ, દિલ ઢૂંઢતા હૈ ફીર વહી જેવા સુમધુર ગીતોને યાદ કરો એટલે પહાડી છતાં રૂમાની અવાજના માલિક ભુપિન્દરની યાદ આવી જાય. અવાજમાં અલગ જ રણકાર ધરાવતા ગાયક ભૂપિન્દર સિંહનો જન્મ આજે એટલે કે 6 ફેબ્રુઆરી 1940ના રોજ અમૃતસરમાં થયો હતો.

ભૂપિન્દરના અવાજના જાદુથી કોઈ બચી શક્યું નથી. ભૂપિન્દરને મજબૂત અવાજ વારસામાં મળ્યો હતો. તેમના પિતા પ્રોફેસર નત્થા સિંહ સંગીતકાર હતા. તેણે તેના પિતા પાસેથી ગિટાર વગાડવાનું શીખ્યા. થોડા સમય પછી ભૂપિન્દર દિલ્હી આવ્યો. અહીં તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાયક અને ગિટારવાદક તરીકે કામ કર્યું. જોકે પિતાની આ સંગીતકલા એક સમયે ભુપિન્દર માટે સંગીતથી નફરત કરવાનું કારણ પણ બની હતી. વાત એમ હતી કે ભુપિન્દરના પિતા ખૂબ જ કડક સ્વભાવના અને શિસ્તના બહુ આગ્રહી હતા. આથી એક સમયે ભુપિન્દરને સંગીત શિખવું જ નથી તેમ થઈ ગયું હતું. જોકે આ વધારે સમય ટક્યું નહીં.


ભૂપિન્દર સિંહને સંગીતકાર મદન મોહન દ્વારા 1964માં પ્રથમ મોટો બ્રેક આપવામાં આવ્યો હતો. આ પછી તેણે બોલિવૂડના ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો. મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે ગાયેલું ભૂપિન્દર સિંહનું ગીત હોકે મજબૂર મુઝે, ઉસને બુલાયા હોગા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પત્ની મિતાલી સિંહ સાથે મળીને તેણે દો દીવાને શહેર મેં, કભી કિસી કો મુકમ્મલ જહાં, એક અકેલા ઇસ શહેર મેં જેવા અનેક ગીતોને પોતાના અવાજથી સજાવ્યા છે. ભૂપિન્દરને સત્તે પે સત્તા, આહિસ્તા-આહિસ્તા, દૂરિયાં, હકીકત જેવી ફિલ્મોના યાદગાર ગીતો માટે પણ યાદ કરવામાં આવે છે.

ભૂપિન્દર સિંહે બોલિવૂડના ઘણા ગીતોમાં ગિટાર વગાડ્યું હતું. તેણે પંચમ દાના ગીત ‘દમ મારો દમ’માં પહેલું સોલો ગિટાર વગાડ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. ભૂપિન્દરના ગિટારના જાદુએ લોકોને પણ લોકોને એટલા જ ઝૂમાવ્યા છે. ભપિન્દરે ભલે ઓછા ગીતો ગાયા હશે, પરંતુ તેમના અવાજની જે યુનિસનેસ હતી તેના લીધે તેમનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. વર્ષ 2022ના જુલાઈ મહિનામાં તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ ચાલ્યા ગયા.
ખરેખર કરોગે યાદ તો હર બાત આયેગી તેમ એકવાર ભુપિન્દરનું નામ લેવાઈ જાય તો તેમના સૂરો મનમાં લાંબો સમય સુધી ગૂંજવા લાગે છે. સૂરોના સરતાજને સ્મરણાંજલિ

Back to top button