
ભારતીયો અને ક્રિકેટ વચ્ચે અનોખો સંબંધ છે. અહીં લોકોમાં ક્રિકેટને લઈને એક અલગ જ દિવાનગી જોવા મળે છે. હાલમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ જિત્યો અને આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો. એક અઠવાડિયા સુધી લોકોએ આ ખુશીનું સેલિબ્રેશન કર્યું. હવે ફરી એક વખત ટી-20માં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પર પોતાનો દાવો માંડવા તૈયાર છે. આ વખતે ઈન્ડિયન વુમન્સ ટીમ યુએઈમાં 3થી 20 ઓક્ટોબર સુધી રમાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કોણ છે આ ખાસ વ્યક્તિ-
વાત જાણે એમ છે કે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ યુએઈ જવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચી ત્યારે તેમની મુલાકાત ફિલ્મ બાહુબલિના ભલ્લાલદેવ એટલે કે રાણા દુગ્ગુબાતી સાથે થઈ હતી. રાણા દુગ્ગુબાતીએ ઈન્ડિયન વુમેન ટીમને મળીને તેમને મેચ માટે શુભેચ્છા આપી હતી. બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા પર એનો એક વીડિયો શેર કર્યો છે જેમાં રાણા દુગ્ગુબાતી ટીમ ઈન્ડિયાની પ્લેયર્સને મળતો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટી-20 વુમેન્સ ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પોતાની તાકાતનો પરચો આપશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ ચોથી ઓક્ટોબરના ન્યુઝીલેન્ડ સામે હશે. ટીમ ઈન્ડિયા પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ત્યાર બાદ છઠ્ઠી ઓક્ટોબરના પાકિસ્તાન અને નવી ઓક્ટોબરના શ્રીલંકા સામે પોતાની એ ગ્રુપની મેચ રમશે.
આ પણ વાંચો : ધોની એક મહિને અમેરિકાથી ઘરે પાછો આવ્યો અને…
અહીંયા તમારી જાણ માટે કે આ વર્લ્ડકપ પહેલાં બાંગ્લાદેશમાં રમાવવાનો હતો, પરંતુ બાંગ્લાદેશમાં ચાલી રહેલાં ગૃહ યુદ્ધને કારણે આ વર્લ્ડકપને યુએઈમાં શિફ્ટ કરરવામાં આવ્યો હતો. હાલમાં જ ટીમ ઈન્ડિયાની મેન્સ ટીમ ટી-20 વર્લ્ડકપ જિતીને ભારત પાછી ફરી હતી અને હવે ક્રિકેટપ્રેમીઓ મહિલા ટીમ પણ વર્લ્ડકપ જિતી આવે એવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.