I Want to Talk Movie Review: અભિષેકને ફુલ માર્ક્સ, શૂજિત સરકાર ફેલ
એક સારા અભિનેતાને સારી સ્ટોરી અને તે સ્ટોરીને સારી માવજત આપી સારી ફિલ્મ બનાવનાર ડિરેક્ટરની ખૂબ જ જરૂર હોય છે. જો તેમ ન થાય તો ગમે તેટલી સારી એક્ટિંગ ફિલ્મને બચાવી શકતી નથી. કમનસીબે અભિષેક બચ્ચનની ફિલ્મો સાથે આમ વધારે થાય છે. અગાઉ પણ તેની ફિલ્મો ફ્લૉપ ગઈ છે, પરંતુ અભિના કામની લોકોએ બે મોઢે પ્રશંસા કરી છે.
આજે રજૂ થયેલી ફિલ્મ I Want to Talk મામલે પણ કંઈક આવું જ થયું છે. અભિના બેસ્ટ પર્ફોમન્સ માટે આ ફિલ્મ ભલે વખાણવામાં આવે, પરંતુ સ્ટોરી અને ટ્રીટમેન્ટ મામલે અપેક્ષા પ્રમાણે નથી. ઘુમર ફિલ્મ રિલિઝ થયાના દોઢ વર્ષ બાદ આ ફિલ્મ આવી છે. અભિ-એશના સંબંધોની અફવાઓ વચ્ચે આવેલી આ ફિલ્મ લોકોને કેટલી ગમશે તે વીક એન્ડમાં ખબર પડી જશે.
વાર્તા નવી તો છે પણ
ફિલ્મની વાર્તા મુખ્ય પાત્ર અર્જુન (અભિષેક)ની આસપાસ છે. માર્કેટિંગ એક્સપર્ટ અર્જન સેનને તેની હેલ્થ કન્ડીશન પરેશાન કરી નાખે છે અને જીવન આખું ચકડોળે ચડે છે. આ બધા વચ્ચે બાપ દીકરી, ડોક્ટર દરદીના સંબંધોની કથા વણી લેવામાં આવી છે.
રીતેશ શાહે આ સ્ટોરી લખી છે. જોકે ફિલ્મની શરૂઆત અને પહેલો પાર્ટ તમને ટીપિકલ શૂજિતની ફિલ્મ જેવો બોરિંગ અને ધીમો ધીમો લાગશે. આથી ગમે તેટલા સિન્સિયર ઓડિયન્સનો મૂડ ઓફ થઈ જાય છે. પહેલો પાર્ટ તમને કંઈ કહેતો નથી કે આગળનું વિચારવા દેતો નથી. મરવા મથતા દરદીની વાર્તા જેવું લાગે છે. જોકે ઈન્ટરવલ સુધી તમે ખમી લો તો બીજો પાર્ટ તેની ભરપાઈ કરી નાખે છે. બીજા પાર્ટમાં હસવાનું છે, રડવાનું પણ છે અને ફિલ્મ એક લેવલ પર જતા દર્શકોને ઈમોશનલી પણ કનેક્ટ કરે છે.
કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન
અગાઉ કહ્યું તેમ આ ફિલ્મ દ્વારા અભિષેકે ફરી સાબિત કર્યુ છે કે તે એક વર્સટાઈલ એક્ટર છે અને પોતાના પાત્રને ન્યાય આપવામાં ક્યાંય પાછળ પડતો નથી. અભિની કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ સાબિત થાય તેવું પર્ફોમન્સ તેણે આ ચેલેન્જિંગ રોલમાં આપ્યું છે.
અભિની દીકરીના રોલમાં અહલ્યા બામરુએ પણ સારી છાપ છોડી છે. આ બાપ-દીકરીની જોડી તમને પીકુના અમિતાભ અને દિપીકાની જોડીની યાદ અપાવશે. ફિલ્મમાં 80-90ના દાયકાના કૉમેડિયન જ્હોની લીવરના ગમા ઓછા સિન્સ છે, પરંતુ તેની હાજરી તમને લાઈટ મૂડમાં લઈ જાય છે.
શૂજિત અલગ પ્રકારની ક્રિએટિવિટી માટે જાણીતા છે, પરંતુ દર્શકોને જકડી રાખવાનું કામ જો વાર્તા અને વાર્તા કહેનારો ન કરી શકે તો બધુ પાણીમાં જાય છે. અગાઉ વરૂણ ધવનની ઑક્ટોબર ફિલ્મમાં પણ આ રીતે સખત ધીમી ફિલ્મની ગતિ અકળાવી નાખનારી હતી. શૂજિતે તેની આ મર્યાદામાંથી બહાર આવવાની જરૂર છે. અમુક સિન્સ તમને ચોક્કસ યાદ રહી જશે, પણ ઑવરઓલ ટ્રીટમેન્ટ અપેક્ષા મુજબની નથી.
ફિલ્મ જોવી કે નહીં
ફિલ્મની ઑવરઓલ વાત કરીએ તો એક સારી ફિલ્મ બનતા બનતા રહી ગઈ હોવાનો અહેસાસ થાય. અભિના ફેન્સ માટે તો આ એક ટ્રીટ છે અને એકવાર પૂરી ફિલ્મ જોશો તો અફસોસ નહીં થાય, પણ સરસ મજાની ફિલ્મ જોયાનો આનંદ પણ નહીં મળે. જો સમય હોય અને પેશન્સ હોય તો ચોકક્સ જાઓ.
મુંબઈ સમાચાર રેટિંગઃ 2.5/5