ડરી ગયો છું પણ ભાગ્યો નથી, જાનથી મારવાની ધમકી મળી રહી છે… રણવીર અલાહબાદિયા

મુંબઇઃ કોમેડિયન સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી માટે ટીકાનો સામનો કરી રહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલાહબાદિયાએ દાવો કર્યો છે કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં અલાહબાદિયાએ જણાવ્યું હતું કે હું અને મારી ટીમ પોલીસ અને અન્ય તમામ અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યા છીએ. હું યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીશ અને બધી એજન્સીઓ માટે ઉપલબ્ધ રહીશ. માતા-પિતા વિશેની મારે ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અપમાનજનક હતી. હું તેની નૈતિક જવાબદારી સ્વીકારું છું અને હું ખરેખર દિલગીર છું. મને લોકો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેઓ મને મારી નાખવા માંગે છે અને મારા પરિવારને નુકસાન પહોંચાડવા માંગે છે. લોકો દર્દીના વેશમાં મારી માતાની ક્લિનિકમાં ઘૂસી ગયા છે અને મને ડર લાગી રહ્યો છે. મને ખબર નથી કે શું કરવું, પરંતુ હું ભાગી રહ્યો નથી મને પોલીસ અને ભારતની ન્યાયવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે.
— Ranveer Allahbadia (@BeerBicepsGuy) February 15, 2025
પોલીસ રણવીર અલાહબાદિયાને શોધી રહી છેઃ-
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ અને આસામ પોલીસની એક ટીમ શુક્રવારે મુંબઈમાં રણવીર અલાહબાદિયાના નિવાસ્થાને પહોંચી હતી, પરંતુ તેમનો ફ્લેટ બંધ જોવા મળ્યો હતો. દરમ્યાન ભૂતપૂર્વ wwe રેસલર સૌરવ ગુજરે અલાહબાદિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને કહ્યું છે કે ‘જો તેનો મને ક્યાંય પણ ભેટો થશે તો તેને મારાથી કોઈ બચાવી શકશે નહીં.’ તેમણે એમ પણ કહ્યું છે કે રણવીરને તેની ખરાબ ટિપ્પણીઓ માટે માફ કરવો ના જોઈએ.