Sridevi એમ જ નથી બની સુપરસ્ટાર, તેની મહેનત અને પ્રોફેશનાલીઝમના આ કિસ્સા જાણો છો?

નાની ઉંમરથી ફિલ્મી કરિયર શરૂ કરી સાઉથની એક હીરોઈન બોલીવૂડમાં આવી અને હિન્દી ન આવડતું હોવા છતાં સુપરસ્ટાર બની. હિંમતવાલાથી જાણીતી બનેલી શ્રીદેવીએ એકથી એક ચડિયાતી ફિલ્મ આપી. સિરિયસ, રોમાન્ટિક, કૉમેડી કોઈપણ રોલ હોય તે કેરેક્ટરમાં શ્રીદેવી એકદમ ફીટ બેસી જતી. આ સાથે ડાન્સમાં પણ પારંગત અભિનેત્રીએ ઘણા સુંદર ડાન્સ સિકવન્સ આપ્યા છે. આમાંનો એક એટલે ફિલ્મ મિ. ઈન્ડિયાનું કાંટે નહીં કટતે યે દિન યે રાત…
આ ગીતમાં વરસાદમાં ભીંજાતી મદમસ્ત શ્રીદેવી આજે પણ જોશો તો રોમાંચિંત થઈ જશો. બ્લ્યુ કલરની પ્લેન સાડી અને લાલચટક લિપસ્ટિકમાં શ્રીદેવીને આઈ લવ યુ…ગાતી જોઈને કેટલાંય દિવાના થયા હશે. તે સમયે આવા ગીત પણ ઈન્ટિમેટ ગણાતા, પણ શ્રીને જોઈને તમને ક્યાંય આછકલાઈ કે ઉઘાડાપણું નહીં દેખાઈ. સાડીમાં આખું શરીર ઢાંકીને પણ શ્રીદેવી એકદમ સેક્સી લાગતી હતી.
…પણ તમને ખબર છે જે શ્રીદેવીને જોઈને તમને પ્રેમનો બુખાર ચડ્યો હતો તે શ્રીદેવી તે ગીતના શૂટિંગ સમયે ખરેખર 104 ડિગ્રી તાવ હતો. આ કિસ્સો ફિલ્મના ડિરેક્ટર શેખર કપૂરે કહ્યો હતો. તેમણે શ્રીદેવીને આરામ કરવા કહ્યું, પણ શ્રીદેવી ન માની અને તેમણે આખા યુનીટને કહ્યું કે આ વાત ડાન્સ માસ્ટર સરોજ ખાનને કહેવામાં આવે નહીં. એક તરફ એકદમ તાવ, બીજી તરફ ચહેરા પર રોમાન્સ અને ઉપરથી સેટર પર વરસતો વરસાદ. પણ શ્રીએ તે દિવસોમાં જ ગીત પૂરું કર્યું. શેખર કપૂરે આ કિસ્સો યાદ કરતા કહ્યું કે તેની પ્રોફેશનાલીઝમ જ તેની સફળતાનું રહસ્ય હતું.

શ્રીની પ્રોફેશનાલીઝમનો કિસ્સો યશ ચોપરાએ પણ યાદ કર્યો હતો. કરણ જોહરના શૉમાં યશ ચોપરાએ આ વાત કહી હતી. શ્રીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક લમ્હેનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું હતું. દરમિયાન યશ ચોપરા પર શ્રીની માતાનો ફોન આવ્યો કે તેનાં પિતાનું નિધન થયું છે. યશ ચોપરાની હિંમત ન થઈ આ કહેવાની એટલે તેણે શ્રીને કહ્યું કે તેનાં પિતા ખૂબ જ બીમાર છે ને તેને ચેન્નઈ મોકલી. શ્રી ચેન્નઈ પહોંચી અને પિતાનુ નિધન થઈ ગયું. ત્યારબાદ 16 દિવસ માતા પાસે રહી શ્રીદેવી પરત લંડન શૂટિંગ માટે આવી. આવીને તેણે પહેલો જ સિન વહીદા રહેમાન સાથે કરવાનો હતો જે કૉમોડી સિન હતો.

| Also Read: Happy Birthday: શ્રીદેવીના જન્મદિવસ પર બોની કપૂર થયા ઈમોશનલ, દીકરીઓએ આ રીતે યાદ કરી મૉમને
આ સિન માટે વહીદા રહેમાન 16 દિવસ લંડનમાં જ રહ્યાં હતાં. શ્રીદેવીને જ્યારે યશ ચોપરા સહિત યુનીટે પૂછ્યું કે તેઓ કૉમેડી સિન માટે રેડી છે ત્યારે શ્રીદેવીએ કહ્યું કે એક્ટિંગ એક્ટિંગ હોય છે અને તે સિન ખૂબ જ સુંદર ભજવ્યો. યશ ચોપરાએ પણ આ જ વાત કહી કે તેની પ્રોફેશનાલીઝમ અને તેની મહેનત જ તેની સફળતાનું રહસ્ય છે. એકાદ નાનો રોલ મળે ને સો નખરા બતાવતા ઘણા કલાકારોએ આ અનુસરવા જેવું છે.