‘વેવ્સ સમિટ’માં આજે કેટલા કલાકારોએ ભાગ લીધો, ‘કિંગ’ ખાને કહી મહત્ત્વની વાત!

મુંબઈઃ ભારતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇન્મેન્ટ સમિટનો શુભારંભ કર્યો છે જેનું ઉદ્દઘાટન વડા પ્રધાન મોદીએ કર્યું હતું. આ સંમેલન પહેલીથી ચાર મે સુધી ચાલશે. અહીંના સંમેલનમાં ભારતના વિવિધ ભાષાના ફિલ્મ ઉદ્યોગના મહારથીઓ સામેલ થયા, જેમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, હેમા માલિની, મોહનલાલ, અલ્લુ અર્જુન અને રજનીકાંત સામેલ છે. શાહરુખ ખાને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
તો હું બાથરુમમાં જઈને રડી લઉં છુંઃ શાહરુખ

આજની સમિટમાં કિંગ ખાન શાહરુખ ખાન, આમિર ખાન સહિત અન્ય સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર દીપિકા પાદુકોણ શાહરુખ સાથે એકસાથે જોવા મળ્યા હતા. શાહરુખ ખાન પોતાના ચિત-પરિચિત અંદાજમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બોટલ સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. શાહરુખ ખાને કહ્યું હતું કે જ્યારે મારી ફિલ્મ નિષ્ફળ રહે છે તો હું બાથરુમમાં જઈને રડી લઉં છું. દરમિયાન અભિનેત્રી મનીષા કોઈરાલાએ વેવ્સ સમિટની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ શાનદાર પહેલ છે અને વડા પ્રધાનનું ભાષણ પણ શાનદાર રહ્યું હતું.
ગુરુ દત્ત સહિત પાંચ દિગ્ગજના નામે પોસ્ટલ સ્ટેમ્પ જારી

આ પ્રસંગે વડા પ્રધાને ફિલ્મ ઉદ્યોગના 5 દિગ્ગજ કલાકારો, ગુરુ દત્ત, પી. ભાનુમતી, રાજ ખોસલા, ઋત્વિક ઘટક અને સલિલ ચૌધરીના સન્માનમાં સ્મૃતિ પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ પણ કર્યું. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ વેવ્સ એવોર્ડની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આર્ટ અને ક્રિયેટિવિટીમાં આ એવોર્ડ સૌથી વધુ પ્રતિષ્ઠિત પુરવાર થશે. વડા પ્રધાને કહ્યું કે ભારત પાસે હજારો વર્ષથી વાર્તાઓનો ખજાનો છે, દેશના દરેક ખૂણેથી નવી વાર્તા મળી શકે તેમ છે. આ વાર્તાઓ યુવાનોને રોબોટ બનતા રોકશે. લોકોએ દેશના કળા, નૃત્ય અને સંગીતનું જ્ઞાન મેળવવું જોઈએ.
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે કર્યું સંચાલન

આજે ‘લેજન્ડ્સ એન્ડ લેગેસીઝ: ધ સ્ટોરીઝ ધેટ શેપ્ડ ઈન્ડિયાઝ સોલ’ શીર્ષકવાળી પેનલ ચર્ચા આયોજિત થઇ. તેમાં હેમા માલિની, મિથુન ચક્રવર્તી, રજનીકાંત, મોહનલાલ અને ચિરંજીવીએ ભાગ લીધો. આ સત્રનું સંચાલન અક્ષય કુમારે કર્યું. સેકન્ડ સેશનમાં ‘ધ ન્યૂ મેઈનસ્ટ્રીમ: બ્રેકિંગ બોર્ડર્સ, બિલ્ડીંગ લેજેન્ડ્સ’ વિષય પર ચર્ચા થઇ. ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા સંચાલિત કરવામાં આવેલા આ સત્રમાં દિગ્દર્શક એસએસ રાજામૌલી, સંગીતકાર એઆર રહેમાન અને અભિનેતા અનિલ કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોડાયા હતા.
દિવંગત અભિનેતા મનોજ કુમારે વિશેષ સત્ર યોજ્યું

‘ધ જર્ની: ફ્રોમ આઉટસાઇડર ટુ રૂલર’ શીર્ષક હેઠળ ત્રીજા સત્રમાં કરણ જોહર મોડરેટર હતા. જ્યારે અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ વક્તાઓ હતા. બાદમાં, સાંજે 5 વાગ્યે, અલ્લુ અર્જુન ‘ટેલેન્ટ બિયોન્ડ બોર્ડર્સ’ શીર્ષક હેઠળ ચર્ચાસત્રમાં સામેલ થયા હતા. વેવ્સમાં મનોજ કુમારના વારસા પર ચર્ચા કરતુ એક ખાસ સત્ર પણ યોજાયું હતું જેમાં હેમા માલિની અને દિગ્દર્શક મધુર ભંડારકરે દિવંગત અભિનેતાના કાર્ય વિશે વાત કરી.
શ્રેયા ઘોષાલ, શંકર મહાદેવન સહિત અન્ય કલાકારોએ આપ્યા પરફોર્મન્સ
પેનલ ચર્ચાઓ ઉપરાંત, કાર્યક્રમમાં સંગીતકાર એમએમ કીરવાની, અને ગાયકો શ્રેયા ઘોષાલ, શંકર મહાદેવન, સોનુ નિગમ, કેએસ ચિત્રા અને મંગલીએ પરફોર્મન્સ આપ્યા હતા. દિવસના અંતે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, રોનુ મજુમદાર, બ્રિજ નારાયણ અને અન્ય મહાન કલાકારોએ પ્રેક્ષકો સમક્ષ રજૂઆત પ્રસ્તુત કરી હતી.