હિંમતવાલી હિનાઃ વાળ ઉતરાવી બાલ્ડ લૂકનો ફોટો શેર કર્યો
ટેલિવિઝનની લોકપ્રિય અને અગ્રણી અભિનેત્રી હિના ખાન અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, પરંતુ તેના ચહેરા પરનું સ્મિત ઓછું નથી થઈ રહ્યું. તે સ્તન કેન્સર સામે ઝઝૂમી રહી છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તે હિંમતથી કામ કરી રહી છે. થોડા સમય પહેલા હિના ખાને તેના વાળ ટૂંકા કરાવ્યા હતા અને હવે તેણે તેના માથાના વાળ કપાવી લીધા છે. હા! તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં હિના કેપ પહેરેલી જોવા મળે છે અને તેના માથા પર વાળ નથી.
હિનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્કિન કેર વિશે વાત કરી રહી છે. તે તેના ચહેરા પરના પિગમેન્ટેશન વિશે અને તેને કેવી રીતે યોગ્ય રાખવો તે અંગે વાત કરી રહી છે. હિનાએ ટી-શર્ટ અને પાયજામો પહેર્યો છે અને તેના માથા પર કેપ પહેરી છે, જેના પર બધાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. હિનાના માથા પર વાળ નથી, કેન્સરની સારવાર દરમિયાન હિનાએ પોતાના વાળ કાપી નાખ્યા હતા. હવે કીમોથેરાપી કરાવતી વખતે તેના માથે સંપૂર્ણપણે ટાલ પડી ગઈ છે.
કેન્સરની સ્થિતિમાં પણ હિના ખાન ચહેરા પર સ્મિત સાથે સ્કિનકેર બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળે છે. હિંમતવાલી હિનાના આ વીડિયોને ફેન્સ અને સેલિબ્રિટી તરફથી ખાસ્સી પ્રશંસા મળી રહી છે. લોકો એને સિંહ અને ચેમ્પિયન જેવા ઉપનામોથી નવાજી રહ્યા છે.
હિનાએ ચાહકોને પ્રથમ કીમોથેરાપી વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ પછી તે કામ પર પણ ગઈ હતી. તેણે શૂટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની ગરદન પર કીમોથેરાપીના નિશાન દેખાઈ રહ્યા છે અને મેક- અપ દરમિયાન તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ હિનાનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમય દરમિયાન, તેના માથા પર લાંબા વાળની વિગ મૂકવામાં આવી હતી.
Also Read –