Happy Birthday: હટકે અવાજ અને હટકે અંદાજે સંઘર્ષ કરાવ્યો ને સફળતા પણ અપાવી

ભીડમાં રહી ને ભીડથી અલગ રહેવું માનીએ તેટલું સહેલું નથી. લોકો મજાક ઉડાવે, હતાશ કરે અને ક્યારેક અપમાન પણ થઈ જાય, પણ આ બધાથી હાર ન માનતા જે પોતાના આ અલગ વ્યક્તિત્વને નિખારી સૌને માટે સ્વીકાર્ય બનાવે છે તે સફળતાને ચૂમે છે. આજે આવા જ એક ગુજરાતી કલાકારનો જન્મદિવસ છે. સંગીતજગત અને અભિનયની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકેલા હિમેશ રેશમિયાનો આજે જન્મદિવસ છે. 23મી જુલાઈ, 1973ના રોજ તેનો જન્મ થયો છે.
હિમેશ રેશમિયા માત્ર ગાયક જ નથી પણ ગીતકાર, સંગીતકાર અને અભિનેતા પણ છે. હિમેશને વર્ષ 2003માં ફિલ્મ તેરે નામથી સંગીત નિર્દેશક તરીકે સફળતા મળી હતી. આ ફિલ્મ પછી તે સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં સંગીત નિર્દેશન કરતો જોવા મળ્યો હતો.
હિમેશ રેશમિયાને શરૂઆતમાં ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. તેમની નોસલ ગાયકી ઘણાને શરૂઆતમાં ન હતી ગમતી. પણ પછી આ હિમેશનો દીપિકા પદુકોણ સાથેનો વીડિયો બહાર પડ્યો ને તેના ગીત-સંગીતે ધૂમ મચાવી.
હિમેશ રેશમિયાએ સિંગિંગ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની ફિલ્મ આશિક બનાયા આપને બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. દર્શકો તેમની સ્ટાઈલના દિવાના બની ગયા હતા. હિમેશના ચાહકો તેની સ્ટાઈલની અને ખાસ કરીને હેર સ્ટાઈલની કૉપી કરતા. લગભગ 700 ગીત તેણે ગાયા છે અને 120 કમ્પોઝ કર્યા છે.
હિમેશ લાંબા સમય સુધી રિયાલિટી શૉના જજ રહી ચૂક્યા છે. અહીં તેનો આક્રમક અંદાજ પસંદ કરનારા અને વખોડનારા પણ છે. મુજે આપકે ઘરમે રોજીરોટી ચાહીયે, તેમ કહી તે સ્પર્ધકને પાનો ચડાવતો જોવા મળે છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો હિમેશે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી અભિનેત્રી સોનિયા સાથે લગ્ન કર્યા છે.