
છેલ્લા દસેક વર્ષથી ઘણી એવી ફિલ્મો આવે છે જે મેઈનસ્ટ્રીમ ફિલ્મોથી અલગ હોય છે. આ સાથે વેબસિરિઝ પણ એવા વિષયો પર બને છે જેના વિષયો અલગ તરી આવે. આવી ફિલ્મો માટે કલાકારો પણ હટકે જોઈએ છે. કર્મશિયલ સ્ટાર્સની દર્શકોના મન પર એક છાપ હોય છે આથી એવા એક અલગ કેટેગરી છે એવા કલાકારોની જે મેઈનસ્ટ્રીમ ફિલ્મોથી અલગ રહે છે. આ સહેલું નથી કારણ કે આમાં પૈસો ને પ્રતિષ્ઠા ઓછા હોય છે, છતાં ઘણા કલાકારો પોતાના અભિનયના દમ પર આગળ આવે છે. આજે આવા જ એક કલાકારનો જન્મદિવસ છે. બોલિવૂડ એક્ટર ગુલશન દેવૈયાનો આજે 45મો જન્મદિવસ છે. તેમનો જન્મ 28 મે 1978ના રોજ બેંગલુરુમાં થયો હતો. અભિનય ઉપરાંત તેને ફેશન ડિઝાઇનિંગનો પણ ઘણો શોખ છે.

વેબ સિરીઝ દહાડમાં તમને સોનાક્ષી સિન્હાના સિનિયર અધિકારી દેવીલાલ સિંહ તો યાદ જ હશે. તાજેતરમાં તેમની ફિલ્મ 8 એમ મેટ્રોએ પણ ઘણી પ્રશંસા મેળવી છે. અભિનેતા ગુલશન દેવૈયાએ પોતાના દમદાર અભિનયથી પડદા પર એક અલગ જ છાપ છોડી છે. તેણે પડદા પર કેટલીક દમદાર ભૂમિકાઓ ભજવી છે, જેના કારણે તે થોડા જ સમયમાં લાઇમલાઇટમાં આવી ગયો છે.

ગુલશનની શ્રેષ્ઠ ફિલ્મોની શરૂઆત ફિલ્મ હંટરરરથી થઈ છે. આમાં તેણે સેક્સ એડિક્ટ મંદારનો રોલ કર્યો હતો. તેણે આ રોલ સાથે પડદા પર એક અલગ જ છાપ છોડી. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
અભિનેતાએ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતામાં ડબલ રોલ કર્યો હતો. આમાં તેણે માની અને જીમી બંનેનું પાત્ર ભજવ્યું હતું.

ગુલશને ફિલ્મ શૈતાનમાં કરણ ચૌધરી ઉર્ફે કેસીની ભૂમિકા ભજવી હતી. આમાં તેનું પાત્ર બગડેલા છોકરાનું હતું. તે એક સમૃદ્ધ પરિવારનો છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગને એક ઉત્તમ અભિનેતા તરીકે વખાણવામાં આવી હતી. તે જ વર્ષે, તેમને ફિલ્મફેર દ્વારા સર્વશ્રેષ્ઠ અભિનેતા ડેબ્યૂનો એવોર્ડ પણ મળ્યો હતો.
રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ બધાઈ દો એક ઓફબીટ ફિલ્મ હતી. આમાં ગુલશન એક વકીલના રોલમાં જોવા મળ્યો હતો, જેને છોકરીઓમાં નહીં પણ છોકરાઓમાં રસ હોય છે. LGBTQ સમુદાય પર આધારીત આ વાર્તા છે.
કર્મશિયલ ફિલ્મની વાત કરીએ તો સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામ-લીલામાં ભવાનીનું પાત્ર ભજવનાર ગુલશને આ રોલ સાથે પણ પડદા પર એક અલગ જ છાપ છોડી હતી. આમાં તેઓ જાડેજા કુળના સભ્ય તરીકે હતા.
ગુલશનનું જીવન મહેકતું રહે તેવી શુભેચ્છા