મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

તુમ મુજે યૂં ભુલા ના પાઓગે’

રાજ કપૂરની મ્યુઝિક ટીમના હોનહાર સર્જક હસરત જયપુરીનું યોગદાન જેટલું માતબર છે એટલી પ્રશંસાના હકદાર એ નથી બની શક્યા

હસરત જયપુરી અને પહેલા જ સુપરહિટ સોન્ગમાં નિમ્મી

ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ સંગીતના ગોલ્ડન પિરિયડની વાત નીકળે ત્યારે ગીતકાર તરીકે પહેલા બે નામ સાહિર લુધિયાનવી અને શૈલેન્દ્રના જ આવે. સાહિરસાબ એટલે ક્રાંતિકારી સર્જક, શૈલેન્દ્રનાં ગીતોમાં જીવનની વાસ્તવિકતા ટપકતી. આ દોરમાં હસરત જયપુરી નામના ગીતકારે પણ ડંકો વગાડ્યો, જેમની કલમમાંથી પ્રેમ નીતરતો હતો. લવ સોંગ્સ પર એમની ફાવટ હતી તો આશા – અરમાન વ્યક્ત કરતા ફિલોસોફિકલ સોંગ્સ તેમ જ કેટલાંક હળવાં રમૂજી ગીતોની ભેટ પણ એમણે આપી છે.

આ ૧૭ સપ્ટેમ્બરે હસરત સાહેબની ૨૫મી પુણ્યતિથિ છે એ નિમિત્તે એમની ફિલ્મી ગીત સફરની એક-બે ઓછી જાણીતી બાજુ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ વાચકોને જરૂર ગમશે.
હસરત અને શૈલેન્દ્ર એ બન્ને રાજ કપૂરની ફિલ્મોનાં સંગીતનાઆધાર સ્તંભ. શૈલેન્દ્રને રાજ કપૂરે શોધી કાઢ્યા હતા તોહસરત જયપુરી પર પૃથ્વીરાજ કપૂરની નજર પડી હતી. સદનસીબે બંને ગીતકાર, પણ એમની વચ્ચે કોઈ સ્પર્ધા નહોતી. રાજ કપૂરની ફિલ્મોમાં બંને ગીતકારનેમોકો મળતો. ‘બરસાત’થી (૧૯૪૯) હસરત જયપુરી – શૈલેન્દ્ર રાજ કપૂર સાથે જોડાયા અને ‘તીસરી કસમ’ (૧૯૬૬) સુધી આ જોડી અતૂટ રહી. શૈલેન્દ્રનું અકાળે અવસાન જ એમને છૂટા પાડી શક્યું. બંનેને એકબીજાના હુન્નર માટે અપાર આદર હતો અને એનું સર્વોત્તમ પ્રમાણ છે ‘તીસરી કસમ’.

ગીતકાર શૈલેન્દ્ર ખુદ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા. ફિલ્મમાં ૧૧ ગીત છે, જેમાંથી એક લોકગીત છે અને બાકીના દસે દસ ગીત શૈલેન્દ્રને લખતા કોઈ રોકી ન શક્યું હોત અને એમની ક્ષમતા સુધ્ધાં હતી, પણ ના, ૧૭ વર્ષના સાંનિધ્યને કારણે પ્યાર – મોહબ્બત – ઈશ્ક ઘૂંટવામાં હસરતજી અવ્વલ છે એ શૈલેન્દ્ર જાણતા હતા એટલે જ ‘તીસરી કસમ’માંબે ગીત હસરત જયપુરી પાસે લખાવ્યા. એમાંથી એક ’દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ’ આજે પણ સંગીત રસિયાઓના હૈયામાં સચવાઈને પડ્યું છે.

હસરત જયપુરીનું પ્રથમ ગીત ’‘જીયા બેકરાર હૈ છાઈ બહાર હૈ, આજા મોરે બાલમા તેરા ઈંતઝાર હૈ’ -ને અફાટ લોકપ્રિયતા મળી હતી. આ ગીત ગાનારાં લતા મંગેશકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ’પોતાની આવડતનું માર્કેટિંગ કરવાની આવડત એમની (હસરત ) પાસે નહોતી. બહુ ઓછા લોકો જાણે છે કે હસરત જયપુરી માટે રાજ કપૂરને ખૂબ માન હતું. આર. કે. ફિલ્મ્સ માટે તેમણે કેટલાક સુપર હિટ સોન્ગ લખ્યાં , જેમાંથી કેટલાંક ગાવાની તક મને મળી હતી.’

લતા દીદીએ ગાયેલાં હસરત સાહેબનાં ગીતોની યાદીમાં એક ગીત છે ‘સંગમ’નું ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝના હોના’. એ વાત જગજાહેર છે કે ફિલ્મમાં આ ગીત મોહમ્મદ રફીએ ગાયું છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે છેલ્લી ૩૦ સેક્ધડ દરમિયાન લતાજીના સ્વરમાં ‘કે તુમ મેરી ઝિંદગી હોકે તુમ મેરી બંદગી હો’ પંક્તિ આવે છે અને પ્રેમમાં બે હૈયા એક થાય એ લાગણીનો સાક્ષાત્કાર એમાં થાય છે. ફિલ્મમાં લતા દીદીનોહિસ્સો છે, પણ કમનસીબે ઓડિયોમાં નથી.

અહીં રસપ્રદ વાત એ છે કે હસરતસાબનો આગ્રહ હતો કે રફી સાથે લતાજી પણ ગાય અને એ આગ્રહ પાછળ ગીતકારની અંગત જીવનની મધુર સ્મૃતિ જવાબદાર હતી.

વાત એમ હતી કે વીસેક વર્ષની ઉંમરે હેન્ડસમ હસરતજી જયપુરમાં એક યુવતીના પ્રેમમાં ગળાડૂબ હતા. એ સમય ડેટિંગનો નહીં, પ્રેમપત્ર લખવાનો હતો. હસરતજીએ યુવતીના નામે પ્રેમપત્ર લખ્યો, પણ એ ક્યારેય એને મોકલી ન શક્યા અને બીજા વીસેક વર્ષ પછી ‘સંગમ’માંએ પત્ર જાહેર થયો. હસરતજીની પ્રેમિકાનું નામ રાધા હતું અને ‘સંગમ’માં વૈજયંતિમાલાનું નામ પણ રાધા જ છે. પ્રેમની માળા કેવી કેવી રીતે જપવામાં આવતી હોય છે, હેં ને!

હિન્દી ફિલ્મ સંગીતમાં એક પ્રકાર ટેન્ડમ સોન્ગનો છે, જેમાં એક જ ગીત અલગ અલગ ગાયક દ્વારા રજૂ કરવામાં આવે છે. હસરતજી લિખિત એવાં ત્રણ ગીત છે, જે લતા અને રફી બંનેએ ગાયા છે અને લોકપ્રિય થયા છે. એક છે ’જંગલી’નું ’એહસાન તેરા હોગા મુજપર’. બંને ગાયકના સ્વરમાં સરખી ધૂનમાં રજૂ થયેલાં ગીતના શબ્દોમાં કાના માત્રાનો પણ ફરક નથી અને તેમ છતાં સ્ત્રી અને પુરુષનીદિલની બારીઓમાંથી પંખીડા ખુલ્લા આકાશમાં એવું ઉડ્ડયન કરે છે કે હસરત સાહેબના જ ‘પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં’ ગીતનું સ્મરણ થઈ જાય.

બીજું ગીત છે ’આરઝૂ’ (૧૯૬૫)નું ‘અજી રૂઠકર અબ કહાં જાઈએગા, જહાં જાઈએગા હમેં પાઈયેગા’ ફિલ્મમાં આ ગીત પણ રફી સાબ અને લતા દીદીએ ગાયું છે, પણ બંનેના શબ્દોમાં થોડો ફરક છે. રફીના ગીતમાં ‘અજી હમસે બચકર કહાં જાઈએગા, જહાં જાઈએગા હમેં પાઇયેગા’નો અંદાજ છે. રૂઠકરને સ્થાને બચકર શબ્દ પ્રેમના સાક્ષાત્કારનું દર્પણ છે. દીદીના ગીતમાંત્રણ કડી છે, જ્યારે એમના ગીતની માત્ર ત્રીજી કડી રફી સાબનાં ગીતમાં લેવામાં આવી છે. બંને ગીતના શબ્દોમાં પ્રેમ ભાવના એવી રીતે ટપકે છે કે પુરુષ સ્ત્રી માટે ગાય કે સ્ત્રી પુરુષ માટે ગાય, અઢી અક્ષરની દુનિયા પર વાવટો લહેરાયો હોવાની લાગણી થાય.

ત્રીજું ગીત છે ‘પગલા કહીંકા’નું ‘તુમ મુજે યૂંભૂલાના પાઓગે’. ફિલ્મમાં પહેલા રફીનું ગીત આવે છે અને પછી બદલાયેલા સંજોગોમાં લતાનું ગીત આવે છે. બંને ગીતનું મુખડું સરખું છે, પણ અંતરા એકબીજાથી તદ્દન ભિન્ન છે. હસરત સાહેબની સરળ વાણીમાં ગજબનું દર્દ નીતરે છે. અલબત્ત, બંને સિંગરની ગાયકી અને અફલાતૂન સ્વરાંકનના સંયોજ નથી ગીત અવિસ્મરણીય બની ગયા છે. ૩૫૦ ફિલ્મમાં ૨૦૦૦થી વધુ ગીત લખ્યા પછી એક ઈન્ટરવ્યૂમાં હસરતજીએ કહ્યું હતું કે ‘મારા ગયા પછી પણ લોકો મારા ગીત જરૂર યાદ કરશે…

વાત એમની સાચી હતી આજે પણ છે. એમના જ એક ગીતનું મુખડું છે: ‘તુમ મુજે યૂં ભુલા ના પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે.’

ટાઈટલ સોન્ગના કસબી

હિન્દી ફિલ્મ સંગીતમાં ટાઈટલ સોન્ગએક એવી ખાસિયત છે જે એની પોતાની છે. રાજ કપૂરે આ પરંપરા વ્યવસ્થિત ધોરણે શરૂ કરી એવુંમાનવામાં આવે છે. અલબત્ત, એમાં સંગીતકાર શંકર- જયકિશન તેમજ ગીતકાર શૈલેન્દ્ર – હસરત જયપુરીનું વિશેષ યોગદાન રહ્યું છે.

(એક ચોખવટ : ટાઈટલ સોન્ગ એટલે ફિલ્મના ટાઈટલ વખતે રજૂ થતું ગીત નહીં, પણ ફિલ્મનું ટાઈટલ ગીતના શબ્દોમાં વણાઈ ગયું હોય એ ગીત.)

હિન્દી ફિલ્મ સંગીતમાં અનેક મશહૂર ટાઇટલ સોન્ગ બન્યા છે. જોકે, કથા અને પાત્રનું હાર્દ જાળવી આવા ગીત લખવા આસાન નથી. ટાઈટલ સોન્ગ લખવામાં શૈલેન્દ્રની મહારથ જાણીતી હતી. પહેલી જ ફિલ્મ ‘બરસાત’માં ટાઇટલ સોન્ગ ‘બરસાત મેં હમ સે મિલે તુમ, તુમ સે મિલે હમ બરસાત મેં’ શૈલેન્દ્રની જ કમાલ છે.

જોકે, હસરત જયપુરી પણ એમાં પાછા પડે એવા નહોતા. એમની કલમે પણ કેટલાંક યાદગાર ટાઈટલ સોન્ગ આપ્યા છે: ‘દિલ મેરા એક આસ કા પંછી’ (આસ કા પંછી), ’દિવાના મુજકો લોગ કહેંગે ((રાજ કપૂરનું ‘દીવાના’), ‘દિલ એક મંદિર હૈ, પ્યાર કી જિસમેં હોતી હૈ પૂજા (દિલ એક મંદિર)’, ‘યે હરિયાલી ઔર યે રાસ્તા, ઈન રાહોં પર તેરા મેરા જીવનભર કા રાસ્તા’ (હરિયાલી ઔર રાસ્તા), ‘એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને, દુનિયા બસાઉંગાતેરે ઘર કે સામને’ (તેરે ઘર કે સામને), ‘મુજકો અપને ગલે લગા લો અય મેરે હમરાહી, તુમકો ક્યા બતલાઉંમૈં કે તુમસે કિતના પ્યાર હૈ’ (હમરાહી), ‘જીયા ઓ, જીયા ઓ જીયા કુછ બોલ દો, અરેઓ દિલ કા પર્દા ખોલ દો’ (જબ પ્યાર કિસી સે હોતા હૈ), ‘અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ (એન ઈવનિંગ ઈન પેરિસ), ‘રૂખ સે જરા નકાબ હટા દો, મેરે હુઝૂર, (મેરે હુઝૂર)’, ‘કૌન હૈ જો સપનોં મેં આયા’ (ઝુક ગયા આસમાન), ‘ગુમનામ હૈ કોઈ, બદનામ હૈ કોઈ’ (ગુમનામ), ‘સાંસોં કી તાર પર ધડકન કી તાલ પર (ગીત ગાયા પત્થરોં ને), ‘લે ગઈ દિલ ગુડિયા જાપાન કી’ (લવ ઈન ટોક્યો), ‘જિસકે લિયે તડપે હમ સારા જીવન ભર, યહી હૈ વો સાંજ ઔર સવેરા’ (સાંજ ઔર સવેરા).

Also Read –

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ