હાર્દિકને મળતાં જ અમિતાભ ભેટી પડ્યા, ઑલરાઉન્ડરે ગર્લફ્રેન્ડ માહિકાની પણ મુલાકાત કરાવી…

મુંબઈઃ તાજેતરમાં મોટી હસ્તીઓની હાજરીવાળા એક મોટા સમારોહમાં ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ગર્લફ્રેન્ડ માહિકા શર્માની મુલાકાત બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કરાવી હતી અને એ મુલાકાત દરમ્યાન હાર્દિકને બિગ બી ભેટ્યા હતા તેમ જ માહિકાને શુભેચ્છા આપી હતી.
રવિવારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ` યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ’ બૅનર હેઠળના સમારંભમાં હાર્દિક અને માહિકા કાળા રંગની આઉટફિટમાં આવ્યા હતા. હાર્દિક-માહિકાની જોડીએ લાલ જાજમ પરથી એન્ટ્રી મારી ત્યારે સૌની નજર આ સેલિબ્રિટી કપલ પર જ હતી.
હાર્દિક બ્લૅક સૂટમાં સજ્જ હતો અને માહિકા પણ કાળા રંગના ડ્રેસમાં ખૂબ સુંદર દેખાતી હતી. બન્નેએ સાથે પોઝ આપ્યો હતો અને પછી વૅન્યૂમાં એન્ટ્રી કરી હતી. અંદર આવ્યા બાદ હાર્દિકે માહિકાની મુલાકાત હિન્દી સિનેમાના શહેનશાહ સાથે કરાવી હતી. મુલાકાત શરૂ થતાં જ હાર્દિકને અમિતાભ (Amitabh) ભેટ્યા હતા. બિગ બી ત્યાર બાદ માહિકાને મળ્યા હતા અને તેને કંઈક કહ્યું હતું. માહિકા આ મુલાકાત દરમ્યાન ભાવવિભોર થઈ ગઈ હતી. અમિતાભ તેની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે હાર્દિક હસતાં હસતાં એકીટસે અમિતાભને જોતો રહ્યો હતો.
આ ઇવેન્ટ ભારતીય ક્રિકેટરોની તાજેતરની સફળતાઓની ઉજવણી માટેની હતી જેમાં પુરુષ ક્રિકેટરોની ચૅમ્પિયન્સ ટ્રોફી તથા એશિયા કપની સફળતા તેમ જ મહિલાઓની વર્લ્ડ કપમાં ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. ભારતની મહિલા ક્રિકેટરો બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતી એ બદલ તેમની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ ખેલાડીઓ ઉપરાંત અનેક ઍથ્લીટો, સેલેબ્સ તેમ જ અન્ય ક્ષેત્રોની હસ્તીઓની પણ સમારોહમાં હાજરી હતી.

ફૅન્સ હાર્દિકની પરિપકવતા અને પ્રભાવની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે હાર્દિક અને માહિકાની જોડી હિટ છે. 2020માં હાર્દિકે સર્બિયાની અભિનેત્રી નતાશા સ્ટૅન્કોવિચ સાથે લગ્ન કર્યા હતા. 2024માં તેમણે ડિવૉર્સ લઈ લીધા હતા. નતાશાને હાર્દિકથી એક પુત્ર થયો છે જેનું નામ અગસ્ત્ય છે.
આ પણ વાંચો…નતાસા અને જેસ્મિન બાદ હાર્દિક પંડ્યાની લાઇફમાં નવી લેડી લવ, કોણ છે માહિકા શર્મા?



