મનોરંજન

નવા વર્ષના શુભ સમાચારઃ દુલ્હન બનશે રકુલપ્રીત સિંહ, ગોવામાં લેશે સાત ફેરા

મુંબઇઃ 2023ના વર્ષે વિદાય લઇ લીધી અને 2024ની સુંદર શરૂઆત થઇ છે. 2023માં ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમના જીવનની સુંદર સફરની શરૂઆત કરી અને પ્રભુતામાં પગલાં માંડ્યા. કિયારા અડવાણી- સિદ્ધાર્થ મલ્હોત્રા, પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા, આથિયા શેટ્ટી- કેએલ રાહુલ, રણદીપ હુડ્ડા- લિન લેશરામ સહિત ઘણા સ્ટારે પ્રેમ લગ્ન કરીને પોતાનો સુંદર સંસાર વસાવ્યો છે. હવે આ જ ટ્રેન્ડ 2024માં પણ ચાલુ રહે એમ જોવા મળી રહ્યું છે. 2024માં સૌથી પહેલું રોમાન્ટિક કપલ જે લગ્ન કરવા જઇ રહ્યું છે, તે રકુલપ્રીત સિંહ- જેકી ભગનાનીનું છે.
હાલમાં આ કપલ બેંગકોકમાં વેકેશન મનાવી રહ્યું છે. તેમણે હવે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જો અહેવાલોનું માનીએ તો આ ક્યુટ કપલ ગોવામાં આવતા મહિને 22 ફેબ્રુઆરીના રોજ સાદગીભર્યા સમારોહમાં લગ્ન કરશે. લગ્નમાં માત્ર કેટલાક ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે. એમ પણ જાણવા મળ્યું છે કે જેકી આ લગ્નને બહુ જ ખાનગી રાખવા માગે છે.
આધારભૂત વર્તુળોમાંથી જાણકારી મળી છે કે ભગનાનીનો પરિવાર આ લગ્નને ખાનગી રાખવા માગે છે અને દુનિયામાં બહુ ચર્ચા થાય એવી તેમની ઇચ્છા નથી. જોકે, જેકી ભગનાની અને રકુલપ્રીત સિંહ તરફથી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પ્રેમ સંબંધોની વાત કરીએ તો જેકી ભગનાનીએ વર્ષ 2021માં રકુલપ્રીત સિંહના જન્મદિવસ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. રકુલે પણ તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર જેકી ભગનાની સાથેનો ફોટો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તો રકુલપ્રીત સિંહે જેકી ભગનાનીને પોતાની જીવનની અણમોલ ભેટ ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button