Happy Birthday: ફિલ્મના પૉસ્ટર પેઈન્ટ કરતા હતા ત્યારે ખબર ન હતી કે એક દિવસ
જીવનનો રસ્તો માણસને ક્યારે ક્યા પડાવ પર લાવીને ઊભો રાખશે તે કોઈને ખબર નથી. સંઘર્ષ તો સૌના જીવનમાં આવે છે પણ સફળતા ક્યારે કઈ રીતે મળી જશે તે ખબર હોતી નથી. રાયગઢના ગરિબ પરિવારમાં જન્મેલા એક છોકરાએ 13 વર્ષની ઉંમરે ફિલ્મોના પોસ્ટર પેઈન્ટ કરવાનું કામ શરૂ કર્યું હતું ત્યારે તેને ખબર ન હતી કે એક દિવસ આ પૉસ્ટરમાં તેનો ફોટો પણ હશે અને તે પણ હીરો તરીકે. આજે આ છોકરો 73 વર્ષનો થયો છે અને હિન્દી અને મરાઠી ફિલ્મજગત સહિત અન્ય ભાષાઓમાં પણ ફિલ્મ કરી મોટું નામ કમાયો છે. આ છોકરો એટલે અલગ જ કીરદાર અને મિજાજવાળા અભિનેતા નાના પાટેકર. પહેલી જાન્યુઆરી, 1951માં જન્મેલા નાના પાટેકર આજે તેમનો 73મો જન્મદિવસ મનાવી રહ્યા છે.
ફિલ્મ ગમનથી હિન્દી સિનેમાજગતમાં પ્રવેસ કરનારા નાના પાટેકરે અંકુશ, પ્રતિઘાત જેવી ખૂબ સારી ફિલ્મો આપી છે. આ સાથે તેમણે કોમેડીથી માંડી નેગેટીવ એમ તમામ પ્રકારાન રોલ બખૂબી નિભાવ્યા છે. જોકે નાના વિવાદોમાં પણ ઘણા ફસાયા છે. મહારાષ્ટ્રના રાજકારણ વિશે તેમની ટીપ્પણી, ખેડૂતોની સમસ્યાઓ મામલે તેમની ટીકા, ઠાકરે પરિવાર વિશે તેમના નિવેદનો ચર્ચામાં રહે છે. તો બીજી બાજુ અભિનેત્રી તુનશ્રી દત્તાએ તેમના પર જાતીય સતામણીના આક્ષેપો કરી મી ટુ અભિયાન ચલાવ્યું હતું તે સમયે પણ તેઓ ભારે વિવાદમાં રહ્યા હતા. તાજેતરમાં શૂટિંગ કરતી વખતે એક સેલ્ફી લેવા આવનારા ચાહકને ધક્કો મારવાનો તેમનો વીડિયો વાયરલ થયો હતો. તેમનો ઉગ્ર મિજાજ જે ફિલ્મોમાં દેખાય છે તે સેટ પર પણ દેખાતો હોવાનો કકડાટ તેમના કૉ-આર્ટિસ્ટ સહિત ટીમ કરતી હોવાના અહેવાલો છે.
જોકે આ બધા વચ્ચે તેમના અભિનયથી તેઓ પ્રેક્ષકોનું દિલ જીતતા આવ્યા છે. તેમના જન્મદિવસે તેમને શુભકામના…