મનોરંજન

HAPPY BIRTHDAY: ભારતીય ભાષામાં હજારો ગીત ગાયા છતાં રાષ્ટ્રીયતા રહી વિવાદમાં

એક ફિલ્મ જે રીતે કોઈ અભિનેતા કે અભિનેત્રીની કિસ્મત ચમકાવવા માટે પૂરતી છે તેમ અન્ય કલાકારોને પણ એક ફિલ્મથી મળેલું નામ તેમની કારકિર્દી આગળ ધપાવવા મદદ કરે છે. 1988માં આવેલી સુપરહીટ ફિલ્મ કયામત સે ક્યામત તકથી ફિલ્મજગતમાં બે કલાકાર પ્રવેશ્યા આમિર ખાન અને જૂહી ચાવલા, જેમણે તે બાદ લાંબી ઈનિંગ રમી અને હજુ પણ ક્રિઝ પર છે. ત્યારે આવું જ એક બીજું નામ છે જેને આ ફિલ્મએ સંગીતજગતમાં જાણીતા બન્યા અને તે છે આજના બર્થ ડે સેલિબ્રિટી ઉદીત નારાયણ.

આમિર પર ફિલ્માવવામાં આવેલા પાપા કહતે હૈ…ગીતથી ઉદીતની કારકિર્દી પાટા પર ચડી અને પછી સુપરફાસ્ટ ટ્રેનની જેમ દોડાવા લાગી. ખૂબ જ હસમુખ ચહેરો ધરાવતા ઉદીતનો જન્મ બિહારમાં થયો હતો, પરંતુ તેમના પિતા મૂળ નેપાળના હતા. આથી તેમની રાષ્ટ્રીયતા વિવાદમાં રહી છે. જોકે સંગીતને સરહદો સાથે કોઈ લેવાદેવા નથી અને ઉદીત નારાયણે 90ના દશકથી લોકોને પોતાના અવાજથી ખૂબ ડોલાવ્યા છે. ઉદિત નારાયણે હિન્દી સિવાય તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી, ભોજપુરી જેવી ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમણે લગભગ 140થી વધારે ફિલ્મોમાં ગીત ગાયા છે.

ઉદિત નારાયણનો જન્મ 1 ડિસેમ્બર 1955ના રોજ મૈથિલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ ઉદિત નારાયણ ઝા છે. તેમના પિતા હરેકૃષ્ણ ઝા નેપાળના હતા અને માતા ભુવનેશ્વરી ઝા બિહારના હતા. તેમના પિતા ખેડૂત હતા અને માતા લોક ગાયિકા હતા. ઉદિતનો જન્મ તેની માતાના ઘરે થયો હતો અને તેણે પ્રાથમિક શિક્ષણ ત્યાંથી મેળવ્યું હતું. આ પછી તેણે નેપાળથી ઈન્ટર્ન કર્યું. ઉદિતે 1970માં 15 વર્ષની ઉંમરે રેડિયો નેપાળ પર મૈથિલી અને નેપાળી ગીતો રજૂ કરવાનું શરૂ કર્યું હતું.


ઉદિતે બોલિવૂડમાં 1980માં મોહમ્મદ રફી સાથે ફિલ્મ ‘યુનિસ-બીઝ’માં ગાવાનું શરૂ કર્યું હતું. આ પછી તેને કિશોર કુમાર સાથે ગાવાનો મોકો પણ મળ્યો. વર્ષ 1988માં તેણે આમિર ખાન અને જુહી ચાવલાની ફિલ્મ ‘કયામત સે કયામત’થી પોતાની ઓળખ બનાવી હતી.આ ફિલ્મનું ગીત ‘પાપા કહેતે હૈં’ ઘણું લોકપ્રિય થયું હતું અને આ ગીત માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ઉદિત ચાર વખત નેશનલ એવોર્ડ અને પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂક્યા છે. આ સિવાય તેણે અન્ય ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. પરંતુ જ્યારે 2009માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની રાષ્ટ્રીયતા પર સવાલો ઉઠવા લાગ્યા.


ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે નેપાળી છે અને પદ્મશ્રી એવોર્ડ ફક્ત ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. પરંતુ આ તમામ અહેવાલોને ખોટા ગણાવતા ઉદિતે કહ્યું કે તેનો જન્મ બિહારના સુપૌલ જિલ્લાના બૈસી ગામમાં થયો હતો, જે તેમના માતાનું ઘર છે.


જ્યારે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા ત્યારે નેપાળમાં પણ વિરોધ થયો હતો. નેપાળના એક અખબારમાં વાતચીત દરમિયાન ઉદિતે કહ્યું હતું કે હું નેપાળનો છું, પરંતુ મારી માતા બિહારની છે. બસ, આ સિલસિલો ચાલુ રહ્યો અને ભારત સરકારે 2016માં ઉદિત નારાયણને પદ્મ ભૂષણથી સન્માનિત પણ કર્યા.
તેમની રાષ્ટ્રીયતા ઉપરાંત તેમનું લગ્નજીવન પણ વિવાદોમાં આવ્યું હતું. તેમણે બિહારની વતની રંજના નામની મહિલા સાથે 1984માં લગ્ન કર્યા હતા. તે બાદ તે એર હૉસ્ટેટ તરીકે કામ કરતી દીપા નામની મહિલાના પ્રેમમાં પડ્યો અને તેણે છૂટાછેડા લીધા વિના કે રંજનાને જાણ કર્યા વિના દીપા સાથે લગ્ન કર્યા. રંજનાને આ વાતની જાણ થતાં તેણે કોર્ટમાં અરજી કરી અને વિવાદ બહાર આવ્યા.


જોકે તે બાદ તેમના વચ્ચે સમાધાન થયું હોવાના મીડિયા અહેવાલો છે. હાલમાં ઉદિત નારાયણની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 150 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. હજુ તેઓ રિયાલિટી શૉમાં જોવા મળે છે. તેમનો દિકરો આદિત્ય પણ ફિલ્મજગતમાં એન્કર તરીકે છવાયેલો છે.
તેમને જન્મ દિવસે સુરીલી શુભકામનાઓ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે