Happy Birthday: આજની બન્ને માનૂનીઓએ ગમે તેવા પડકારો સામે પહાડની જેમ ઊભા રહેતા શિખવાડ્યું છે

જીવનમાં નાનીમોટી અડચણો સૌને આવતી હોય છે, પણ ઘણાની સંઘર્ષકથા સાંભળીએ ત્યારે આપણી સમસ્યાઓ નાની લાગતી હોય છે અને તેની સામે લડી લેવાની હિંમત મળતી હોય છે. આવી વ્યક્તિઓ જ્યારે ફિલ્મજગતમાંથી હોય અને મહિલાઓ હોય તો આપણા પણ જુસ્સામાં વધારો થાય છે. આજે આવી બે અભિનેત્રીઓના જન્મદિવસ છે, જેમના જીવનમાં આવેલા પડકારો એકબીજાથી અલગ છે, પણ તે બન્નેએ પહાડની જેમ ટટ્ટાર ઊભા રહી તેનો મુકાબલો કર્યો છે અને સફળતા પણ મેળવી છે. એક છે હંમેશાં સાડીમાં સજ્જ, સંપૂર્ણ ભારતીય લાગતી, પ્રતિભાશાળી મુંબઈની વિદ્યા બાલન અને બીજી છે નટખટ, ફેશન આઈકન સોનાલી બેન્દ્રે. આ બન્ને મુંબઈની મુલગીઓએ બોલીવૂડમાં પોતાનું નામ કર્યું છે અને હજુ પણ સક્રિય છે.

પહેલા વાત કરીએ સોનાલી બેન્દ્રેની. 1લી જાન્યુઆરી, 1975માં જન્મેલી સોનાલીએ મોડલિંગ કર્યા બાદ 1994માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. પહેલી ફિલ્મ આગ તો ખાસ ચાલી નહીં પણ તે બાદ દિલજલેથી તેની નોંધ લેવાઈ અને તેણે ઘણી હીટ ફિલ્મો આપી. સોનાલીનો એક ખાસ ચાહકવર્ગ છે જે આવી બબલી હીરોઈનોને પસંદ કરતો હોય છે. જોકે સોનાલીના ચાહકવર્ગમાં મોટા ખેરખાંઓના પણ નામ છે. રાજકારણી રાજ ઠાકરે, અભિનેતા સુનીલ શેટ્ટી અને પાકિસ્તાની ક્રિકેટર શૌએબ અખ્તર તેના પર ફીદા હતા,. જોકે સોનાલીએ 2002માં ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા અને સંસાર માંડ્યો. સંસારમાં સુખેથી જીવતી હતી ત્યારે જીવનનો સૌથી મોટો પડકાર આવીને ઊભો. સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ કેન્સર નામની બીમારી સૌને એકસરખી જ પરેશાન કરે છે. આ દિવસો દરમિયાન સોનાલીએ યાતના ભોગવી તે તેણે ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કેન્સરની બીમારી કરતા તેની સારવાર કેટલી અઘરી અને યાતના આપનારી છે તે તેણે વારંવાર કહ્યું છે. દર મહિને તે સારવાર માટે અમેરિકા જતી હતી. જોકે અભિનેત્રીએ આ પડકારનો મકક્મતાથી સામનો કર્યો અને પરિવારના સાથ અને ચાહકોના પ્રેમને કારણે તે ફરી એટલી જ તાજી થઈ દર્શકો સામે ટીવી શૉના માધ્યમથી આવી છે. મુશ્કેલીઓ માત્ર આર્થિક કે ભાવનાત્મક જ નથી હોતી, આરોગ્યને લગતી સમસ્યાઓ કોઈપણ વ્યક્તિ અને ખાસ કરીને માતા માટે ખૂબ જ પડકારજનક હોય છે ત્યારે સોનાલીએ આવી ગંભીર બીમારી સામે ઝઝૂમતા સૌને હિંમત અને જુસ્સો આપ્યા છે.

તો બીજી આજની બર્થ ડે સેલિબ્રિટીએ તો કરિયરની શરૂઆતમાં જ એટલા પડકારો ઝીલ્યા હતા કે તેની જગ્યાએ બીજું કોઈ હોત નિરાશ કે નાસીપાસ થયું હોત પણ વિદ્યા બાલન સતત સંઘર્ષ કરતી રહી અને સફળતાની સીડી ચડતી રહી. હમ પાંચની આ ચશ્મીશ છોકરીએ એક સમયે એક સાથે 12 સાઉથ ફિલ્મો સાઈન કરી હતી. પહેલી મલ્યાલમ ફિલ્મના હીરો મોહન લાલ હતા, પરંતુ મોહનલાલ અને ડિરેક્ટર વચ્ચે મતભેદ થતા ફિલ્મ શૂટ ન થઈ અને એવી ખબર ફેલાઈ કે અગાઉ આઠ ફિલ્મો સાથે કરી ચૂકેલા આ બન્નેના મતભેદનું કારણ વિદ્યા બાલન હતી. બસ તેનાં પર મનહૂસનું ટેગ લાગી ગયું અને તેનાં હાથમાં કંઈ બચ્યું નહીં. વિદ્યા ખૂબ જ નાસીપાસ થઈ. તે બાદ પ્રદીપ સરકારની પરિણિતા મળી અને જીવન બદલાઈ ગયું. જોકે ફરી એક ફેસ આવ્યો જ્યારે વિદ્યાની ફિલ્મો ફ્લોપ રહી અને તેની પ્લસ સાઈઝને લીધે અને તેના કપડા પહેરવાના ઢંગને લીધે તે ટ્રોલ થવા માંડી. તેણે લગભગ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લઈ લીધો. આ દરિમયાન તેને એકતા કપૂરની ડર્ટી ફિલ્મની ઓફર આવી. પોતાના આવા દેખાવ છતાં તેને આ ફિલ્મ મળી તેથી તે પહેલા તો કંઈ કહી ન શકી. આટલું અંગ પ્રદર્શન કરવાની તૈયારી ન હતી, પરંતુ પરિવારે સાથ આપ્યો અને તેણે ડર્ટી પિક્ચર કરી અને તમામના મોઢા બંધ કર્યા. તે બાદ તેની કહાની ફિલ્મ આવી અને આ ફિલ્મને તેણે એકલા હાથે અનપેક્ષિત સફળતા અપાવી. વિદ્યા લગભગ 40 જેટલી ફિલ્મો કરી. તેની ઘણી ફિલ્મો ફ્લોપ પણ ગઈ, પણ તેમે પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડી. તેણે પ્રોડ્યસુર સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા. એક સમયે મનહૂસ કહીને જેને ધૂતકારી હતી તે વિદ્યા હાલમાં લગભગ 200 કરોડ કરતા પણ વધારે સંપત્તિની માલિક છે અને નેસનલ અને ફિલ્મ ફેર એવોર્ડ જીતી ચૂકી છે.
આ બન્ને માનૂનીએ પોતાના જીવનના પડકારો ઝીલી સૌને પ્રેરણા આપી છે. બન્નેને જન્મદિવસની શુભકામના…