મનોરંજન

Happy Birthday: એક કલાકમાં 90,000 કેસેટ્સ વેચાઈ હતી આજની બર્થ ડે સેલિબ્રિટીની

હિન્દી ફિલ્મસંગીત જગતમાં મંગેશકર બહેનોનો દબદબો લાંબા સમય સુધી ચાલ્યો. તેમના સમય દરમિયાન સુમન કલ્યાણપુર, હેમલતા, મુબારક બેગમ, શારદા, સુલક્ષણા પંડિત જેવી ઘણી સારી ગાયિકા પણ આવી, પરંતુ લતા અને આશા સામે ટક્કર ન ઝીલી શકી. તે બાદ 1990નો દાયકો આવ્યો જ્યારે ઘણી નવી ગાયિકાઓએ ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો અને પોતાનું નામ કર્યું. આમાના એક ગાયિકા એટલે આજના બર્થ ડે સ્ટાર અનુરાધા પૌડવાલ. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1954ના રોજ કર્ણાટકના કારવાર જિલ્લામાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર મુંબઈમાં થયો.

કોંકણી પરિવારની અનુરાધાએ તેનું બાળપણ મુંબઈમાં વિતાવ્યું હતું. અનુરાધા તેમનું અસલી નામ નથી. વાસ્તવમાં તેનું અસલી નામ અલકા નંદકર્ણી છે. અનુરાધાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારની જેમ જ અનુરાધા પૌડવાલે સંગીતની કોઈ તાલીમ લીધી નથી. તે લતા મંગેશકરની મોટી પ્રશંસક છે અને લતા મંગેશકરના ગીતો સાંભળીને તેના ગાવાની પ્રેક્ટિસ કરતી હતી. ધીરે ધીરે તેની પ્રેક્ટિસ એટલી સારી થઈ ગઈ કે લોકો તેના અવાજના દિવાના થઈ ગયા. એક સમય એવો આવ્યો કે જ્યારે લતા મંગેશકર કરતાં તેમનો અવાજ વધુ પસંદ કરવામાં આવ્યો. પ્રખ્યાત સંગીતકાર ઓ.પી.નય્યરે તો ત્યાં સુધી કહ્યું હતું કે લતાનો યુગ પૂરો થઈ ગયો છે. અનુરાધાએ તેનું સ્થાન લીધું છે.


અનુરાધા પૌડવાલની કારકિર્દી લગ્ન પછી શરૂ થઈ હતી. વાસ્તવમાં અનુરાધાએ અરુણ પૌડવાલને પોતાના સાથી બનાવ્યા હતા, જે એસડી બર્મનના આસિસ્ટન્ટ કંપોઝર હતા. આ પછી અનુરાધાને બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તક મળી. તેણે સૌપ્રથમ અભિમાન ફિલ્મમાં જયા ભાદુરી માટે શ્લોક ગાયા હતા. તે બાદ કાલીચરણમાં પણ તેમણે ગીત ગાયું. તેમણે વૈષ્ણોદેવી માટે ગાયલેું દેવી ગીત આઉંગી આઉંગી એટલું ફેમસ થયું હતું કે તેની 90,000 કેસેટ એક કલાકમાં વેચાઈ ગઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.


આ તે સમય હતો જ્યારે અનુરાધા પૌડવાલને કેસેટ કિંગ તરીકે પ્રખ્યાત ગુલશન કુમારનો ટેકો મળ્યો હતો. તેમનાં સબંધો વિશે પણ લોકો વાતો કરતા થયા હતા. ટી-સિરીઝનો સપોર્ટ મળ્યા બાદ અનુરાધાને કોઈ રોકી શક્યું ન હતું. આશિકીથી માંડી બેટા, દિલ હૈ કી માનતા નહીં, સાજન, જેવી ઘણી સફળ ફિલ્મોમાં તેણે ઘણા ગીતો ગાયા અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી. પરિસ્થિતિ એવી હતી કે તેમને આશિકી, દિલ હૈ કી માનતા નહીં અને બેટા વગેરે ફિલ્મો માટે સતત ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ પછી અનુરાધાએ જાહેરાત કરી હતી કે હવે તે માત્ર ટી-સિરીઝ માટે ગીતો ગાશે. જોકે અંધારી આલમના ઓથ હેઠળ આવેલી બોલીવૂડ ઈન્ડ્સ્ટ્રીને હચમચાવી દેનારી ઘટના ઘટી ને ધોળે દિવસે ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના થોડા સમય બાદ અનુરાધા પૌડવાલના પતિ અરુણ પૌડવાલનું પણ નિધન થયું, ત્યારબાદ અનુરાધાએ પોતાને ફિલ્મી ગીતોથી દૂર કરી અને માત્ર ભજન ગાવાનું શરૂ કર્યું.


થોડા સમય પહેલા તેઓ ટીવી શૉમાં દેખાયા હતાં, જેમાં તેમણે તે સમયની વાતો મન મૂકીને કરી હતી.
અનુરાધાને તેમના જન્મદિવસની શુભકામના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button