Happy Birthday: કોઈ ટોચની હીરોઈન કરતા પણ વધારે વિવિધ ભૂમિકા નિભાવી છે આ અભિનેત્રીએ
ફિલ્મ કે ટીવીજગતમાં પ્રવેશ કરવો આસાન છે, પરંતુ ટકી રહેવું ખૂબ જ અઘરું છે. ઘણા પ્રતિભાશાળી કલાકારો છે જેમણે અધવચ્ચે જ કામકાજ છોડી દેવું પડ્યું છે. જ્યારે આજની સેલિબ્રિટી 80ના દાયકાથી કામ કરે છે અને કોઈ ટોચની હીરોઈનોને ન કરવા મળ્યા હોય તેવા વિવિધ રૉલ કરી તેણે દર્શકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. જોકે તેમનાં આખો પરિવારે આલા દરજ્જાના કલાકારો આપ્યા છે. વાત કરી રહ્યા છીએ અભિનેત્રી સુપ્રિયા પાઠકની. આજે તેમનો 63મો જન્મદિવસ છે. ખૂબ જ ઉત્કૃષ્ટ અભિનેત્રી દીના પાઠકનાં પુત્રી, રત્ના પાઠકના બહેન અને પંકજ કપૂરના પત્ની સુપ્રિયાએ લગભગ 80ના દાયકાની શરૂઆતથી અહીં સુધીની સફર ખેડી છે.
બાઝાર અને મિર્ચ મસાલા જેવી આર્ટ ફિલ્મોથી માંડી શહેનશાહ જેવી કૉમર્શિયલ ફિલ્મ હોય કે પછી રામલીલા જેવી ફિલ્મનો રૂઆબદાર રોલ તો બીજી બાજુ ખિચડી જેવી કૉમેડી સિરિયલ હોય સુપ્રિયા પાઠક દરેક ભૂમિકામાં નિખરી આવે છે.
તેમનાં વ્યક્તિગત જીવનની વાત કરીએ તો અભિનેતા પંકજ કપૂર સાથે તેમણે લગ્ન કર્યા છે. તેમના સના અને રૂહાન નામે બે સંતાન છે. પંકજ કપૂર અને તેમની મુલાકાત અને લગ્ન પણ દિલચસ્પ છે. આ બન્નેએ સાથે એક ફિલ્મ કરી હતી અગલા મૌસમ. આ ફિલ્મના સેટ પર જ તેઓ મળ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા. મજાની વાત તો એ છે કે આ ફિલ્મ ક્યારેય રીલિઝ ન થઈ પણ સુપ્રિયા અને પંકજે 1989માં લગ્ન કરી લીધા. પંકજ કપૂરના આ બીજા લગ્ન હતા.
સુપ્રિયાએ એક શૉમાં કહ્યું હતું કે તેમના માતા દીના પાઠકને આ લગ્ન મંજૂર ન હતા. પંકજ કપૂર અને નિલીમા અઝિમનો પુત્ર શાહિદ કપૂર સુપ્રિયાનો સ્ટેપ સન છે. જોકે બન્ને વચ્ચે સારી કેમેસ્ટ્રી છે, તેમ અહેવાલો કહે છે. સુપ્રિયા પાઠકે કહેવતલાલ પરિવાર અને કેરી ઓન કેસર જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
સુપ્રિયા પાઠક આમ જ આપણને મનોરંજન પિરસતા રહે તેવી તેમના જન્મદિવસે શુભકામના