મનોરંજન

Happy Birthday: લાહોરમાં જન્મ, લંડનમાં નોકરી પણ નામ બોલીવૂડમાં કમાયું

કહેવાય છે કે નિયતિ તમને ક્યાં લઈ જાય તે કોઈ જાણી શકતું નથી. આજના બર્થ ડે સેલિબ્રિટીના જીવનમાં પણ આવું જ બન્યું છે. તેમનો જન્મ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પહેલા લાહોરમાં થયો હતો અને લંડનમાં તેમણે ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે કામ પણ કર્યું છે, પણ નસીબ કે નિયતિ તેમને મુંબઈ ખેંચી લાવી અને અહીં આવીને જ વસી ગયા અને નામ અને દામ બન્ને કમાયા. વાત કરીએ છીએ હિન્દી ફિલ્મોને માસૂમ, બેન્ટિટ ક્વિન અને મિ. ઈન્ડિયા જેવી ફિલ્મો આપનાર શેખર કપૂરની, જેમનો આજે 78મો જન્મદિવસ છે.

છટ્ઠી ડિસેમ્બર, 1945માં શેખર કપૂરનો જન્મ લાહોરમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. તેમના પિતા ડોક્ટર હતા અને માતા આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં હતાં.


વિભાજન પછી શેખર કપૂરનો પરિવાર દિલ્હી આવ્યો અને અહીંથી તેમણે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. તે બાદ આગળ ભણ્યા અને લંડન જઈ નોકરી કરતા હતા. શેખર કપૂર અભિનેતા અને ફિલ્મસર્જક દેવાનંદના ભાણેજ થાય અને તેથી ફિલ્મો પ્રત્યેનો તેમનો લગાવ તેમને મુંબઈ ખેંચી લાવ્યો.

તેમણે જાન હાજિર હોથી ફિલ્મ નિર્દેશનની શરૂઆત કરી. દરમિયાન તેમણે ટીવી સિરિયલો પણ બનાવી. તેમની સિરિયલ ઉડાન આજે પણ દૂરદર્શન પર પ્રસારિત થયેલી શ્રેષ્ઠ સિરિયલોમાંની એક ગણાય છે. નસીરૂદ્દીન શાહ અને શબાના આઝામીની ફિલ્મ માસૂમથી તેમને નામના મળી. તે બાદ 1987માં આવેલી મિ. ઈન્ડિયાએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી અને શેખરને એવોર્ડ્સ પણ અપાવ્યા.

ચંબલની ડાકુરાની તરીકે જાણીતી ફુલનદેવીના જીવન પર બનેલી બેન્ડિટ ક્વીનએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાનો જાદુ ચલાવ્યો. બેન્ડિટ ક્વીનનું પ્રીમિયર 1994ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર્સના ફોર્ટનાઈટ વિભાગમાં થયું હતું અને એડિનબર્ગ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવ્યું હતું. શેખરીન ઘણી ફિલ્મો ફ્લોપ પણ ગઈ. ચીલાચાલુ વાર્તા ન પીરસતા શેખરે બોલીવૂડને કંઈક નવું આપવાની કોશિશ કરી.

શેખર તેમની વ્યક્તિગત જિદંગીને કારણે પણ ચર્ચામાં રહ્યા. તેમની પ્રથમ પત્ની મેઘા ગુજરાલ સાથેનું તેમનું લગ્નજીવન લાંબુ ન ટક્યું અને તે બાદ તેમણે પોતાનાથી 30 વર્ષ નાની સુચિત્રા કિષ્ણમૂર્તિ સાથે લગ્ન કર્યા. જોકે આ સંબંધ પણ લાંબો ન ટક્યો અને આનું કારણ શેખર અને પ્રિટી ઝિન્તાના સંબંધો માનવામાં આવે છે. જોકે આ મામલે કોઈ વાત પછીથી બહાર આવી ન હતી. શેખરનું નામ માસૂમ ફિલ્મ બાદ શબાના આઝમી સાથે પણ જોડાયું હતું. શેખર હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેઓ પોતાના મનની વાત બેબાક થઈ કહેવા માટે જાણીતા છે.
તેમને જન્મદિવસની શુભકામના…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button