તુમ સા નહીં દેખાઃ પોતાની અલગ અદાકારી અને ડાન્સિંગ સ્ટાઈલ સાથે બોલીવૂડ પર 50 વર્ષ રાજ કર્યું
ભારતીય સિનેમાજગતમાં ઘણી પરિવારો છે જેમની બીજી કે ત્રીજી કે ચોથી પેઢી ફિલ્મજગત સાથે જોડાયેલી છે. આ પરિવારોમાં લગભગ સૌથી મોટું નામ કપૂર ખાનદાનનું આવે. પૃથ્વીરાજ કપૂરે આ પરંપરાની શરૂઆત કરી તે બાદ તેમના ત્રણેય સંતાનો રાજ કપૂર શ્મી કપૂર અને શશી કપૂરે તેને બખૂબી આગળ ધપાવી. આજે શમ્મી કપૂરનો જન્મદિવસ છે. તેમણે સિનેમાને લગભગ 50 વર્ષ આપ્યા અને 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું ,પણે તેનાથી વિશેષ તેમણે પોતાની આગવી અદાકારી ને ડાન્સિંગ સ્ટાઈલથી એવી જાદુગરી કરી કે દુનિયા આજે પણ તેને યાદ કરીને કહે છે તુમસા નહીં દેખા.
શમ્મી કપૂરનો જન્મ 21 ઓક્ટોબર 1931ના રોજ મુંબઈ (તે સમયે બોમ્બે)માં પ્રખ્યાત કલાકાર અને ફિલ્મ નિર્માતા પૃથ્વીરાજ કપૂરના ઘરે થયો હતો. તેઓ શમ્મી કપૂરના નામથી આખી દુનિયામાં પ્રખ્યાત થયા, પરંતુ તેમનું બાળપણનું નામ શમશેર રાજ કપૂર હતું. બાળપણથી જ તેણે ઘરમાં ફિલ્મી માહોલ જોયો અને આ લાઈનમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.
શમ્મી કપૂરે ફિલ્મ જીવન જ્યોતિથી બોલિવૂડમાં પહેલું પગલું ભર્યું હતું. આ ફિલ્મ કમાણીના મામલામાં સફળ ન રહી. આ પછી તેમની લગભગ 18 જેટલી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. તે બાદ તુમસા નહીં દેખા આવી ને શમ્મીનો સિતારો ચમક્યો.
તે સમયની જાણીતી અભિનેત્રી ગીતા બાલી સાથે તેમણે મંદિરમાં લગ્ન કર્યા હતા. ગીતા બાદી તેમનાથી ઉંમરમાં મોટા હતા આથી પરિવાર મંજૂરી નહીં આપે તેથી બન્ને મંદિર ખૂલ્યાના કલાકો પહેલા પહોંચી ગયા. ઉતાવળમાં સિંદૂર લેતા ભૂલી ગયા તો શમ્મીએ લિપસ્ટીકથી તેનો સેથો પૂર્યો હોવાનું અમુક મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. જોકે તેમનો અને ગીતા બાલીનો સાથ લગભગ દસેક વર્ષ જ રહ્યો ને સ્મોલ પોક્સને લીધે ગીતા બાલીનું મૃત્યુ થયું.
શમ્મી કપૂરને ઘણો આઘાત લાગ્યો. જોકે આ બધા વચ્ચે શમ્મી કપૂર ને મુમતાઝના સંબંધોની વાતો પણ પ્રસરી. મુમતાઝ તે સમયે લગભગ 17-18 વર્ષની હતી. જોકે એક ઈન્ટરવ્યુમા શમ્મીએ સ્વીકાર્યું હતું કે તેમને મુમતાઝ પ્રત્યે લગાવ થઈ ગયો હતો. શરૂઆતી વર્ષોમાં તેમને એક કેબ્રે ડાન્સર સાથે પણ પ્રેમ થયો હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.
ગીતા બાલીના દેહાંત બાદ તેમણે ભાવનગરના રાજઘરાના સાથે જોડાયેલા નીલા દેવી ગોહિલ સાથે લગ્ન કર્યા. નીલા દેવીએ ગીતા-શમ્મીના સંતાનોની પોતાના સંતાનની જેમ દેખભાળ કરી અને શમ્મીના જીવનસાથી તરીકે ખૂબ સાથ નિભાવ્યો. વર્ષ 2011માં શમ્મી કપૂરે દુનિયાને અલવીદા કહ્યું. પૌત્ર રણબીરની ફિલ્મ રોકસ્ટાર તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ. તિસરી મંઝીલ, કશ્મીર કી કલી, જંગલી, જેવી ઘણી યાદગાર ફિલ્મો તેમણે આપી અને આ સાથે પોતાની સ્પેશિયલ ડાન્સ સ્ટાઈલથી લોકોનું મનોરંજન કર્યું.
તેમના જન્મદિવસે તેમને સ્મરણાંજલી