Happy Birthday Shah Rukh Khan : 58ની ઉંમરે ફરી સાબિત કર્યું કે બોલીવૂડનો બાદશાહ તો હું જ
પઠાણ રીલિઝ થઈ તે પહેલાના ચારેક વર્ષ લોકોને એમ લાગ્યું કે બાદશાહની સલ્તનત હવે ગઈ, પરંતુ પઠાણ અને જવાનની ઉપરાઉપરી સફળતાએ શાહરૂખને ફરી બાદશાહ બનાવી દીધો, મહત્વની વાત એ છે કે બોલીવૂડમાં રોજ નવા જુવાન અભિનેતાઓ લૉંચ થતા હોવા છતાં આ સિદ્ધિ કે દર્શકોનો પ્રેમ તેણે 58 વર્ષની ઉંમરે ફરી મેળવ્યો છે. બીગ બી પછી લગભગ એસઆરકે એવો કલાકાર હશે જેણે ઢળતી ઉંમરે કમબેક કર્યું છે. આજે 2જી નવેમ્બરે તેનો 58મો જન્મદિવસ છે ત્યારે 1990ના દિવાનાથી શરૂ થયેલી આ સફર જવાન સુધી પહોંચી છે અને હજુ ઘણું લાંબુ ખેંચશે તેમ જણાઈ રહ્યું છે.
હાલમાં તો ધ મિલેનિયલ જનરેશન (1981-1996) અને જનરેશન ઝેડ (1997-2012) શાહરુખ ખાનની એક્ટિંગથી ખૂબ જ પ્રભાવિત છે. અત્યારે હિન્દી સિનેમામાં એવો કોઈ અભિનેતા જોવા મળ્યો નથી જે આ બંને પેઢીઓ પર સમાન રીતે રાજ કરે. શાહરૂખ ખાનની સફળતા આશ્ચર્યજનક છે. પરંતુ આ પાછળ તેમની લગન, મહેનત, સંઘર્ષને અવગણી શકાય તેમ નથી. શાહરૂખ ખાનનો સંઘર્ષ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરતા શાહરૂખ ખાને પોતાનું બાળપણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રાંગણમાં વિતાવ્યું હતું, જે અભિનયની સૌથી મોટી શાળા કહેવાય છે. વાત એ છે કે તેણે અહીં ક્યારેય અભ્યાસ કર્યો નથી, પરંતુ સંબંધ ઊંડો છે.
શાહરૂખના પિતા મીર મોહમ્મદ તાજ ખાન સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દિલ્હી આવીને વસ્યા હતા. શાહરૂખના પિતાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) પાસે એક નાની હોટેલ ખોલી હતી. તે સમયે એનએસડીના ડાયરેક્ટર ઈબ્રાહિમ અલ્કાઝી હતા. રાજબબ્બર, નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર અહીં અભિનયનો અભ્યાસ કરતા હતા. શાહરૂખ ખાન આ બધાને મળતો હતો. પરંતુ ત્યાં સુધી, ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ છોકરો, જે તેને તેના પિતાની હોટલમાં મળ્યો હતો, તે બોલિવૂડના સૌથી સફળ અભિનેતામાંનો એક હશે. 1990માં તેની એન્ટ્રી બાદ તે રોમાન્સનો રાજા કહેવાયો, પણ તેણે લગભગ બધા પ્રકારની ફિલ્મો અને ભૂમિકાઓ ભજવી અને લોકોએ તેને પસંદ પણ કર્યો.
આમ તો તેના જીવનમાં ગણા સંઘર્ષો આવ્યા જ હશે, પણ વર્ષ 2021-2022 તેની માટે ખૂબ જ ભારે રહ્યા. કોરોના બાદ ફિલ્મજગત હજુ ડચકા ભરી રહ્યું હતું. એસઆરકેની કોઈ ફિલ્મ આવી રહી ન હતી અને તે સમયે તેના મોટા દિકરા આર્યનને ડ્રગ્સ કેસમાં જેલમાં જવાનો વારો આવ્યો. ખૂબ જ ચગેલો આ કિસ્સો એક બાપ તરીકે તેણે જે રીતે હેન્ડલ કર્યો તે જોઈ અભિનેતા તરીકે તેને ન પસંદ કરનારા પણ તેના ફેન બની ગયા.
તેની ફિલ્મ પઠાણ બોલીવૂડ બોયકોટ ગેંગવાળાએ અડફેટે લેવાની કોશિશ કરી, પરંતુ શાહરૂખના ફેન્સે ફિલ્મને એવો પ્રતિસાદ આપ્યો કે હવ આ ગેંગ ક્યા ગાયબ થઈ ગઈ તે કોઈને ખબર નથી. પઠાણ અને જવાન બન્ને ફિલ્મો માત્ર ને માત્ર શાહરૂખના જોરે જ ચાલી છે તે સૌ જાણે છે. 60 તરફ જઈ રહેલા આ બોલીવૂડના બાદશાહે સાબિત કર્યું છે કે ઉંમર અને સફળતાને કોઈ લેવાદેવા નથી.
તેના જન્મદિવસે તેના ફેન્સે અભિનેતાના નિવાસસ્થાન બહાર જે પ્રેમ વરસાવ્યો છે તે માટે શાહરૂખે ખૂબ જ પરસેવો રેડ્યો છે. એસઆરકે ચોક્કસ મહેનત કરી સફળ થવાની પ્રેરણા પણ આપે છે.
કિંગખાનનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા…