રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી……… જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ
આજે આપણે બોલિવૂડની જે અભિનેત્રીને જન્મ દિવસ પર અભિનંદન આપવાના છીએ તેમના પિતા પ્રખ્યાત કવિ અને ગીતકાર હતા અને માતા એક જાણીતી થિયેટર અભિનેત્રી હતી. તેમણે ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરમાં તેમની પ્રભાવશાળી ભૂમિકાઓ માટે ઘણી ખ્યાતિ અને પુરસ્કારો જીત્યા છે. તેમને પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પ્રતિષ્ઠિત પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તમે હવે ઓળખી જ ગયા હશો કે આ અભિનેત્રી બીજી કોઇ નહીં પણ શબાના આઝમી છે.
શબાના આઝમી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે પોતાનો જન્મદિવસ ન્યૂયોર્કમાં મિત્રો સાથે ઉજવ્યો છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેઓ કેક કાપતા જોવા મળે છે. તેમના મિત્રો હેપ્પી બર્થ ડેનું સોંગ ગાઇ રહ્યા છે. રેડ એન્ડ બ્લેક ડ્રેસમાં તેઓ જાજરમાન અને સુંદર લાગી રહ્યા છે. સાથે તેમણે રેડ એન્ડ બ્લેક ચશ્મા મેચ કર્યા છે.
તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ સેલિબ્રિટીઝ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. સૈફ અલી ખાનની બહેન સબા પટૌડી, ભૂમિ પેડનેકર, શેફ વિકાસ ખન્ના સહિત અનેક સેલિબ્રિટીઓએ તેમને જન્મ દિવસની શુભકામના આપી છે.
1974માં રજૂ થયેલી ફિલ્મ ‘અંકુર’થી તેમણે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તેમણે લક્ષ્મી નામની ગ્રામીણ છોકરીની ભૂમિકા ભજવી હતી, જે શહેરની એક કોલેજ સ્ટુડન્ટના પ્રેમમાં પડે છે. પોતાના મજબૂત અભિનયથી તેમણે દર્શકો અને વિવેચકોના પણ દિલ જીતી લીધા. આ ફિલ્મમાં દમદાર અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ 1975માં શબાના આઝમીને શ્યામ બેનેગલ સાથે તેમની ફિલ્મ ‘નિશાંત’માં ફરીથી કામ કરવાની તક મળી. આ જ વર્ષ તેમને સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં કામ કરવાની તક મળી. ‘સ્વામી’ ફિલ્મમાં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરમિયાન શબાનાએ કમર્શિયલ ફિલ્મો તરફ પણ નજર દોડાવી અને વિનોદ ખન્ના સાથે ‘પરવરિશ’ અને ‘અમર અકબર એન્થોની’ જેવી ફિલ્મો કરી જે પણ સફળ રહી. 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્થ’ શબાના આઝમીની કારકિર્દીની બીજી મહત્વની ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં શબાના આઝમીએ એક પરિણીત મહિલાની ભૂમિકા ભજવી હતી જેનો પતિ તેને છોડીને બીજી સ્ત્રી માટે જાય છે.
1982માં આવેલી ફિલ્મ ‘મંડી’માં તેમણે સૌપ્રથમ પડદા પર વેશ્યાલયની માલિક રુક્મિણીબાઈની ભૂમિકા ભજવી હતી. શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ માટે શબાના આઝમીએ બીજી વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો. વર્ષ 1984માં મૃણાલ સેન દ્વારા નિર્દેશિત શબાની આઝમીની ફિલ્મ ‘ખંડર’ રિલીઝ થઇ. 1985માં ગૌતમ ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પાર’માં તેમના અભિનયના વિવિધ પાસા જોવા મળ્યા. વર્ષ 1986માં ઈન્ડો-ફ્રેન્ચ બેલ્જિયન સ્વિસ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘જેનેસિસ’ શબાના આઝમીની બીજી મહત્વની ફિલ્મ છે.
શબાના આઝમીએ 1996માં રિલીઝ થયેલી દીપા મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ફાયર’થી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. સમલૈંગિકતાના વિષય પર બનેલી આ ફિલ્મ ભારતમાં આ પ્રકારની પ્રથમ ફિલ્મ હતી. વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘ગોડ મધર’માં શબાનાએ પતિની મોતનો બદલો લેતી લેડી માફિયા ડોનની ભૂમિકા ભજવી જે ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થા સામે લડે છે. ફિલ્મમા તેમના સશક્ત અને પ્રભાવશાળી અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પર્સનલ ફ્રન્ટ પર શબાનાએ લેખક, ગીતકાર જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા છે. શબાનાને ચાર વાર ફિલ્મફેર, 2006 માં પદ્મશ્રી અને 2012 માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે દોઢસો જેટલી ફિલ્મમાં કામ કર્યું છે. આપણા બધા તરફથી અભિનેત્રીને જન્મ દિવસની ઘણી ઘણી શુભેચ્છા