HAPPY BIRTHDAY: આ મરાઠી માણૂસ 73 વર્ષની ઉંમરે પણ સાઉથમાં ધૂમ મચાવે છે
મરાઠી માણૂસ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એમ બે વાત લખીએ પછી વધારે પરિચયની જરૂર પડતી નથી. આજે 12 ડિસેમ્બરના રોજ રજનીકાન્તનો જન્મદિવસ છે. તેઓ આજે તેનો 73મો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે આ ઉંમરે પણ તેમનો જોશ અને તેમની લોકપ્રિયતા સૌ કોઈને અચરજ પમાડે તેવી છે. શિવાજી ગાયકવાડનો એટલે તે રજનીકાન્તનો જન્મ બેંગલુરુમાં મરાઠી પરિવારમાં થયો છે. ઘણી નાની ઉંમરે માતા ખોઈ ચૂકેલા રજનીકાન્તે અહીંથી અભ્યાસ કર્યો. એક્ટિંગનો શોખ બચપણથી જ હતો અને ધીમે ધીમે અહીં સુધી પહોંચવાની તેમની સફર જાણવા જેવી છે.
સાવ જ સાદો દેખાવ, હીરો જેવી કોઈ પર્સનાલિટી નહીં અને ફિલ્મી બેકગ્રાઉન્ડ તો દૂર પરિવાર માંડ બે ટંકનું ખાઈ જીવન ગુજરાતો આ કંડક્ટર દુનિયા જીતશે તેવો વિચાર ખુદ રજનીકાન્તે પણ નહીં કર્યો હોય. ફિલ્મોમાં આવતા પહેલા રજનીકાંત નાની-મોટી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમાં કુલી, સુથારથી માંડીને કર્ણાટક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટર તરીકે કામ કરવા સુધીની નોકરીઓનો સમાવેશ થાય છે.
રજનીકાંતે માત્ર 2000 રૂપિયાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, તેણે શ્રીદેવી સાથે એક ફિલ્મ કરી, જેમાં તેણે અભિનેત્રીના સાવકા પુત્રની ભૂમિકા ભજવી. આ રોલ માટે તેને 2000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને આજે આ જ રજનીકાન્ત પોતાની એક ફિલ્મ માટે સો કરોડથી નીચે વાત કરતો નથી. હાલમાં જ તેની જેલર ફિલ્મ આવી હતી, જે માટે તેણે રૂ.110 કરોડ ફી તરીકે અને રૂ.210 કરોડ કૂલ કમાણીમાં ભાગ તરીકે લીધા હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. તેની નેટ વર્થનો આંકડો સત્તાવાર રીતે ખબર નથી, પરંતુ હજારો કરોડોની સંપત્તિ ધરાવે છે અને એટલું દાન પણ કરે છે.
ફાયનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર રજનીકાંતની કુલ સંપત્તિ 430 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત થલાઈવી સ્ટારને મોંઘી કારનો પણ ઘણો શોખ છે. તેમાં 6.5 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ અને 6 કરોડની કિંમતની રોલ્સ રોયસ ઘોસ્ટ જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે. આ સિવાય તેની પાસે BMW પણ છે ચેન્નાઈમાં સ્થિત રજનીકાંતના આલીશાન બંગલાની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે.
જોકે થેલી ભરીને કમાતો આ અભિનેતા દાન આપવામાં પણ એટલો જ છૂટ્ટો હાથ રાખે છે. કોઈ પણ કુદરતી આફત હોય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જરૂરત હોય તો આ અભિનેતા લાખોમાં દાન કરે છે. મૂળ શિવાજી ગાયકવાડ નામ ધરાવતો આ અભિનેતા અમિતાભનો ખૂબ જ જબરો ફેન છે અને તેની દસેક ફિલ્મો રિમેક કરી ચૂક્યો છે. તેણે દસ વર્ષમાં સો ફિલ્મોમાં કામ કરી નાખ્યું છે અને હજુ 73 વર્ષની ઉંમરે પણ તેને સાઈન કરવા નિર્માતાઓની લાઈન લાગે છે. સોશિયલ મીડિયા પર પણ તેની લોકપ્રિયતાના મીમ્સ બનતા રહે છે. આ મીમ્સ પણ ઘણા મજેદાર હોય છે અને રજનીકાન્તને લોકો કેટલો કદાવર સ્ટાર માને છે તે સમજવા કાફી છે.
તો આ સુપરસ્ટારને જન્મદિવસની સુપર શુભેચ્છા