Happy Birthday: પહેલો મુવિંગ શૉટ અને પહેલી રંગીન ફિલ્મ બનાવી પિતામહનો ખિતાબ મેળવ્યો
આજે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી લોકો મોબાઈલ દ્વારા પણ સારુ એવું શૂટિંગ કરી લે છે, પરંતુ આઝાદી પહેલાના સમયમાં જે જહેમત ઉઠાવી ફિલ્મો બનતી તે જાણીને આપણને અચરજ થશે. યુ ટ્યૂબ પર એવા ઘણા દસ્તાવેજી વીડિયો છે જે જોઈ સમજી શકાય કે તે સમયે ટેકનોલોજીના અભાવમાં જે ફિલ્મો બનતી તે સંપૂર્ણપણે માનણની પોતાની સૂઝબૂઝ અને પ્રતિભાને આભારી હતી. આવા સમયે નવા અખતરા કરવા અઘરા અને મોંઘા સાબિત થઈ શકે તેમ હતા, પરંતુ અમુક લોકો હતા જેમણે આ સફળ અખતરા કરી આપણને સિનેમાનો જાજરમાન ઈતિહાસ આપ્યો. આ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલું નામ એટલે વી. શાન્તારામ. 18 નવેમ્બર, 1901માં કોલ્હાપુરમાં જન્મેલા વી. શાંતારામ અભ્યાસ ખાસ કઈ કરી શક્યા ન હતા અને નાની ઉંમરે રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયા હતા. તે બાદ તેમણે નાટક કંપની જોઈન કરી.
તેમણે થિયેટરમાં નોકરી પણ કરી. 1920માં અભિનેતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું ને ફિલ્મ મેકિંગ શીખી પુત્ર પ્રભાતના નામે સ્ટુડિયો પણ ખોલ્યો, પરંતુ પછીથી અમુક કારણોસર તેમણે રાજકમલ કલા મંદિર નામે સ્ટુડિયો ખોલ્યો. અહીં તેમણે તે સમયની આધુનિક સુવિધાઓ વિકસાવી. આ એજ સ્ટૂડિયો છે જ્યાંથી હિન્દી ફિલ્મજગતની ખૂબ જ યાદગાર ફિલ્મ દો આંખે બારહ હાથ બની. આ ઉપરાંત નવરંગ, ગીત ગાયા પત્થરોને, જનક જનક પાયલ બાજે, સ્ત્રી, પરછાઈયાં જેવી ફિલ્મો અહીં બની. 1930માં તેમણે ચંદ્રસેના નામે ફિલ્મ બનાવી જ્યારે પહેલીવાર મુવિંગ ટ્રોલીનો ઉપયોગ કર્યો ને ત્યાર પહેલીવાર ક્લોઝ અપ સિન લોકોને જોવા મળ્યા. આ સાથે 1933માં પહેલી રંગીન ફિલ્મ પણ તેમણે બનાવી.
એક જેલર પોતાના છ કેદીને જે અલગ રીતે સુધારે છે તે વાર્તા સાથે બનેલી દો આંખે બારહ હાથને રાષ્ટ્રપતિ તરફથી સુવર્ણ પદક મળ્યો હતો અને ભારતીય સિવાય સ્લિવર બિયર જેવા અનેક વિદેશી પુરસ્કારો પણ તેમણે મેળવ્યા હતા. સિદ્ધાંતોના પાક્કા અને શિસ્તના હિમાયતી શાંતારામે પોતાની પુત્રી રાજશ્રીને ગીત ગાયા પત્થરોથી લૉંચ કરી. જીતેન્દ્ર સાથેની આ ફિલ્મ ખૂબ ચાલી એટલે એક બૂંદ જો મોતીન બન ગયા નામે બીજી ફિલ્મમાં બન્નેને કાસ્ટ કર્યા, પરંતુ ફિલ્મના શૂટિંગના પહેલે દિવસે જ રાજશ્રી સેટ પર મોડી પહોંચી ને પિતાએ પુત્રીનું પત્તુ કાપી મુમતાઝને કાસ્ટ કરી લીધી હતી. શાંતારામે ત્રણ વાર લગ્ન કર્યા હતા અને તેઓ સાત સંતાનના પિતા હતા. તેમના સંતાનો પણ કલાજગત સાથે જોડાયેલા છે. તેમના નવા પ્રયોગો અને ફિલ્મજગતને એક નવા યુગ તરફ લઈ જતા યોગદાન માટે તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો અને તેઓ ફિલ્મજગતના પિતામહ તરીકે ઓળાખાય છે.