Happy Birthday: અભિનેત્રી અને રાજકારણી એવા આ સેલિબ્રિટીએ બીગ બી માટે ફિલ્મ પણ લખી છે
આજે જે સેલિબ્રિટીનો બર્થ ડે (celebrity birthday) છે તેમને તમે એક અભિનેત્રી તરીકે જોશો તો ખૂબ જ કળાયેલી, પ્રતિભાશાળી કલાકારા છે અને તેણે હિન્દી-બંગાળી ફિલ્મજગતને ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. બીજી બાજુ તેઓ રાજકારણમાં પણ સક્રિયપણે ભાગ લે છે. સેલિબ્રિટી તરીકે રાજ્યસભા (Rajyasabha)ના સાંસદ બની માત્ર લાભ નથી લેતા, ખૂબ જ સ્પષ્ટ અને આક્રમક રીતે દેશના મુદ્દાઓ જનતા અને સરકાર સમક્ષ મુકે છે. દેશના નહીં દુનિયાના પ્રસિદ્ધ અભિનેતાના પત્ની છે અને આ ભૂમિકા પણ બખૂબી નિભાવે છે. વાત કરી રહ્યા છે ‘ગુડ્ડી’ની ગુડ્ડીની, ‘મિલી’ની મિલીની એટલે કે જયા ભાદુડી બચ્ચનની. (Jaya Bachhan)
બંગાળી પરિવારમાં જન્મેલા જયા બચ્ચનનો આજે 76મો જન્મદિવસ છે. જેમ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ એક્ટિવ રહે છે, તેમ જયા બચ્ચનને પણ વયમર્યાદાનો કોઈ નિયમ લાગુ પડતો નથી.
આર્મીમાં જોડાવાની ઈચ્છા હતી, પણ અહીં માત્ર નર્સની જ નોકરી મળી શકે તે જાણી નાનપણમાં નિરાશ થયેલી જયાએ 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની ફિલ્મ મહાનગરમાં પહેલી વાર કેમેરા સામે અભિનય કર્યો. ત્યારબાદ હ્યષીકેશ મુખરજીની ગુડ્ડીમાં ચમક્યાં અને ભારતીય સિનેમજગતને નિદોર્ષ ચહેરા સાથે ભરપૂર અભિનય ક્ષમતાવાળી એક અભિનેત્રી મળી.
1972ના રોજ ફિલ્મ બંસી બિરજુમાં તેમણે અમિતાભ બચ્ચન (Amitabh Bachhan)સાથે પહેલીવાર કામ કર્યું. આ પહેલી મુલાકાત મિત્રતા અને પ્રેમમાં બદલી તે દરમિયાન બન્નેએ સાથે ઘણી ફિલ્મો આપી. ઝંઝીર (Zanzir) તેમની હીટ ફિલ્મ નિવડી અને તેની સફળતા સેલિબ્રેટ કરવા જયા સહિત આખા ક્રુએ લંડન જવાનો પ્લાન બનાવ્યો, ત્યારે અમિતાભે શરત રાખી કે લંડન જવા પહેલા લગ્ન કરવા પડશે અને બન્નેએ 2 જૂન, 1973ના રોજ સાત ફેરા લીધા અને 3જી જૂને લંડન ફરવા ચાલ્યા ગયા.
બચ્ચન પરિવારની વહુ બન્યા બાદ અને શ્વેતા અને અભિષેકની માતા બન્યા બાદ જયા બચ્ચને ફિલ્મી કરિયરને થોડો બ્રેક આપ્યો. જોકે તેમણે કમબેક કર્યું ત્યારે પણ ફરી એટલા જ છવાયા. રીતિક રોશન સાથેની ફીઝા અને શાહરૂખ ખાન સાથેની કલ હો ના હો જેવી ઘણી ફિલ્મોમાં તેમને જોયા બાદ સૌને ફરી ગુડ્ડી યાદ આવી ગઈ.
જયા બચ્ચન રાજ્યસભાના સાંસદ તરીકે પણ એટલા જ પ્રભાવશાળી રહ્યા છે. દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડ કે તાજેતરમાં બજેટ સેશનમાં વિપક્ષના સાંસદોને બરતરફ કરવા જેવા ઘણા મુદ્દા પર તેઓ બેબાક બોલે છે. પાપારાઝીઓ સાથેની રકઝકને લીધે ટ્રોલ પણ થાય છે, તો દોહિત્રી નાવ્યાનવેલીના પૉડકાસ્ટમાં પોતાના સ્વતંત્ર વિચારો દ્વારા સૌને ચોંકાવી પણ દે છે.
હવે આજે અમે તમને તેમની એક બીજી પ્રતિભા વિશે પણ જણાવશું. જયા બચ્ચનના પિતા પત્રકાર અને લેખક હતા જ્યારે સસરા હરિવંશરાય બચ્ચન તો વિશ્વવિખ્યાત કવિ અને વિચારક રહ્યા જ છે ત્યારે જયા બચ્ચને પણ કલમની કમાલ દેખાડી છે. ઘણી ફ્લૉપ ફિલ્મો આપ્યા બાદ બીગ બીની એક હીટ ફિલ્મ આવી હતી અને તે છે શહેનશાહ.
આ ફિલ્મની સ્ક્રીપ્ટ જયા બચ્ચને લખી છે, તેમ એક અહેવાલ જણાવે છે. રિશ્તે મે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ…વાળો ડાયલૉગ્સ, સૉંગ્સ અને બચ્ચનના ડબલરોલવાળા ધમાકેદાર પરફોર્મન્સે આ ફિલ્મને હીટ બનાવી બચ્ચની ડોલતી નૈયા થોડી સ્થિર કરી હતી. જયા બચ્ચનને જન્મ દિવસની શુભકામના