મનોરંજન

Happy Birthday: લગ્ન બાદ ફિલ્મી કરિયર શરૂ કરી, આજે પણ છે હેપી ગૉ વુમન

ઢળતી ઉંમરે માત્ર તમે સ્કીન કે દેખાવનો ખ્યાલ રાખો તે જરૂરી નથી, વધારે જરૂરી તમે મનથી કેટલા જવાન છો અને સમય સાથે વહી શકો છો તે વધારે જરૂરી છે. ઘણીવાર વરિષ્ઠ નાગરિકો પોતાના ઉંમરમાં મોટા હોવાનો ભાર લઈને ફરતા હોય છે ત્યારે આજની બર્થ ડે સેલિબ્રિટી હંમેશાં હાસ્ય વેરે છે, બેબાક બોલે છે અને માહોલ લાઈવ કરી દે છે.

વાત છે પ્રખ્યાત અભિનેત્રી મૌસમી ચેટરજીની ઘર એક મંદિર, મંજીલ, અનુરાગ, રોટી કપડા ઔર મકાન અને પ્યાસા સાવન સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. મૌસમી ચેટર્જીનું નામ બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેનું નામ ક્યારેય કોઈ કો-સ્ટાર સાથે જોડાયું નથી. આનું કારણ એ પણ હોઈ શકે કે મૌસમી ચેટરજી ફિલ્મમાં આવ્યા તે પહેલા જ પરણી ગયા હતા.

મૌસુમી ચેટર્જીનું સાચું નામ ઈન્દિરા ચટ્ટોપાધ્યાય હતું, તેનો જન્મ 26 એપ્રિલ 1948ના રોજ કોલકાતામાં થયો હતો. ફિલ્મોની દુનિયામાં પ્રવેશ્યા પછી તેને મૌસમી નામ મળ્યું. લગભગ 15 વર્ષની ઉંમરે મૌસમીના લગ્ન થઈ ગયા હતા. મૌસમી પ્રખ્યાત સંગીતકાર અને ગાયક હેમંત કુમારની પુત્રવધુ છે. પતિ જયંત અને સસરા હેમંત કુમારની ઈચ્છાથી તે ફિલ્મોમાં આવી.
મૌસુમી ચેટર્જીએ વર્ષ 1967માં બંગાળી ફિલ્મ બાલિકા બધુથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મની સફળતા પછી, અભિનેત્રીને ઘણી ફિલ્મોની ઓફરોની કતાર મળી. પરંતુ તે દિવસોમાં આ અભિનેત્રી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી. તેનાં લગ્ન પણ થયા અને બાદમાં તેણે 1972માં ફિલ્મ અનુરાગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મંઝિલ ફેમની આ એક્ટ્રેસ વિશે કહેવાય છે કે તે ગ્લીસરીન લગાવ્યા વગર જ ઈમોશનલ સીન્સ આપતી હતી. જોકે તેનું સ્મિત લાજવાબ હતું.

જોકે 2019માં આ સ્મિત ખોવાઈ ગયું હતું. મૌસમી ચેટરજીની બે દીકરીમાંથી એક પાયલનું મોત ડાયાબિટીઝને કારણે થયું હતું. આ દિવસો દરમિયાન મૌસમી ખૂબ જ હતાશ રહેતા હતા. જોકે ધીમે ધીમે તે બહાર આવ્યા. થોડા સમય પહેલા તે ટીવી શૉમાં આવી ત્યારે એટલી જ રોમાન્ટિક અને મસ્તીવાળી ચંચળ છોકરી જેમ જ વાત કરતી હતી. જીવનમાં ગમે તેટલી તકલીફો આવે તેમાંથી બહાર નીકળવાનું પણ પોતે જ શિખવું પડે છે.
મૌસમી ચેટરજીને સ્વસ્થ આયુષ્ય માટે શુભેચ્છા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button