Happy Birthday: બોલીવૂડની હીરોઈનો જ હોલીવૂડ સ્ટાર્સ પણ છે આ ડિઝાઈનરના ફેન્સ
તમે હોલીવૂડ બોલીવૂડ કે ઢોલીવૂડના કોઈ અભિનેતા કે અભિનેત્રીના ફેન હશો, પરંતુ તેઓ જેમાન ફેન છે અને જેમના વિના તેમના સોળ શણગાર અધૂરા રહે છે તે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો આજે જન્મદિવસ છે. મનીષ ભારતના સૌથી સફળ ફેશન ડિઝાઇનર્સમાંથી એક છે.
બોલિવૂડ સેલેબ્સના ડ્રેસિંગથી લઈને દરેક દુલ્હનની ફેવરિટ બનવા સુધી, આ ડિઝાઇનરે ભારતીય ફેશનના ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે. બોલિવૂડની કોઈ પણ ભવ્ય ફિલ્મ હોય તો તેની સાથે મનીષ મલ્હોત્રાનું નામ ચોક્કસથી જોડાયેલું હશે. મનીષ મલ્હોત્રા માત્ર ફેશન જગતમાં જ નહીં પરંતુ બોલિવૂડની દુનિયામાં પણ એક મોટું નામ છે. જોકે મનીષની સફર પણ આસાન ન હતી.
પંજાબી પરિવારમા જન્મેલા મનીષને ભણવામાં રસ ન હતો, પરંતુ કલા અને પેન્ટિંગમાં રસ હતો. તેને માતાનો સાથ મળ્યો. ફિલ્મો જોવાના શોખ તેને ફેશન તરફ લઈ ગયો. માતાના કપડા સિલેક્શનમાં રસ લેતા મનીષએ ડિઝાઈન શિખવા અને ફેશનજગતને સમજવા એક બુટિકમાં માત્ર 500 રૂપિયા મહિનાના પગાર સાથે નોકરી શરૂ કરી.
સખત મહેનત કરી. પ્રોડ્યુસરને જ્યારે મનીષ જે તે કલાકારની ફિલ્મમા ભૂમિકા વિશે સવાલોનો મારો કરતો ત્યારે પ્રોડ્યુસરો અકળાઈ જતા, પરંતુ તેની ડિઝાઈન જોઈને તેઓ સમજી જતા કે તેમના કેરેક્ટરને સમજીને મનીષએ ડિઝાઈન કર્યા છે.
મનીષ મલ્હોત્રા આજે એટલે કે 5મી ડિસેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 1966માં મુંબઈમાં જન્મેલા મનીષ ફેશન ડિઝાઈનર, કોસ્ચ્યુમ સ્ટાઈલિશ તેમજ ફિલ્મ પ્રોડ્યુસર છે. તમને જાણીને નવાઈ લાગશે કે કરીના કપૂર, ઉર્મિલા માતોંડકર, કરિશ્મા કપૂર, શ્રીદેવી, કાજોલ, માધુરી દીક્ષિત, પ્રીતિ ઝિન્ટા, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, જેકલીન ફર્નાન્ડિઝ, ઐશ્વર્યા રાય બચ્ચન, જુહી અને કરિશ્મા જેવી ઘણી સુંદરીઓ તેમની રીલ અને રીયલ લાઈફમાં મનીષના ડિઝાઈન કરેલા કોસ્ચ્યુમથી જાજરમાન લાગતી હોય છે.
મોટે ભાગે ફેમલ કોસ્ચ્યુમ ડિઝાઈન કરવા માટે જાણીતા મનીષે મેઈલ કોસ્ચ્યુમ પણ ડિઝાઈન કર્યા છે અને તમને કદાચ નહીં ખબર હોય પણ સુપ્રસિદ્ધ પૉપસિંગર માઈકલ જેક્સનના ભારતના શૉ દરમિયાન તેમના કોસ્ચ્યુમ પણ મનીષએ ડિઝાઈન કર્યા હતા. આ ઉપરાંત મનીષ મલ્હોત્રાએ ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’માં ઈમરાન ખાન અને ‘મોહબ્બતેં’માં શાહરૂખ ખાનના ડ્રેસ ડિઝાઈન કર્યા હતા.
મનીષના કપડાંની ડિઝાઇન દર્શાવતી ફિલ્મોમાં ‘કહો ના… પ્યાર હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘રાજા હિન્દુસ્તાની’ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. મનીષને 1995માં ‘રંગીલા’ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
મનીષ હોલીવુડ સુધી પહોંચી ગયો છે. કેટ મોસ, કેરોલિના કુર્કોવા, ડેમી મૂર, નાઓમી કેમ્પબેલ અને રીસ વિથરસ્પૂન જેવી ઘણી હોલીવુડની હસ્તીઓએ પણ તેના ડિઝાઇનર કપડાં પહેર્યા છે. મનીષ મલ્હોત્રાને જન્મદિવસની શુભેચ્છા